લોકડાઉનમાં આ મિશને ઉપાડ્યું રાહત કાર્યોનું મિશન

ધરમપુરઃ દેશમાં કોરોના સંકટને લીધે થયેલા લોકડાઉનને પગલે અનેક ગરીબ પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ ઉપરાંત લોકોની સાથે અબોલ પ્રાણીઓની હાલત પણ ખરાબ થઈ છે. આવા મુશ્કેલીના સમયે વિશ્વવ્યાપી આધ્યાત્મિક સંસ્થા શ્રીમદ્ રાજચંદ્ર મિશન, ધરમપુરના સંસ્થાપક ગુરુદેવ રાકેશભાઈની પ્રેરણાથી સંસ્થાએ અનેક રાહત કાર્યો શરૂ કર્યાં છે. વિશ્વભરનાં સંસ્થાના કેન્દ્રો જેવાં કે બેંગલુરુ, ચેન્નઈ, પુણે, અમદાવાદ, વડોદરા અને યુકેના 500થી વધુ સ્વયંસેવકો કોવિડ-19ના રાહત કાર્યોમાં જોડાયા છે. મિશન આ રાહત કાર્યો સરકાર અને સ્થાનિક સત્તાવાળા સાથે મળીને કરી રહ્યું છે.

મિશનનાં અનેક રાહત કાર્યો  

શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના રાહકાર્યો મુખ્યત્વે જરૂરિયાતમંદ પરિવારો, દૈનિક કામદારો, હોસ્પિટલો અને પ્રાણીઓને લગતાં કરી રહ્યા છે, જેમાં ડોક્ટર્સ, નર્સ, પોલીસ અને અન્ય સરકારી કર્મચારીઓને ફૂડ પેકેટ્સ, માસ્ક અને સેનેટાઇઝર્સ પહોંચાડવામાં આવી રહ્યા છે.

એક મહિનામાં 15 લાખ લોકોને ફૂડ પેકેટ્સનું વિતરણ

લોકડાઉનના આ સમયમાં મિશન દ્વારા જરૂરિયાતમંદ પરિવારો તથા દૈનિક કામદારોને જીવનજરૂરી ચીજવસ્તુઓ જેવી કે અનાજ, તેલ, મસાલા, રાશન અને સાબુના કિટ્સનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે બીજી બાજુ આશ્રમમાં બનાવેલી ખીચડી, શાકભાજી, છાસ ફૂડ પેકેટ્સ, બિસ્કિટ, ચણા સહિતની ખાદ્ય સામગ્રી દૈનિક ધોરણે હજ્જારો જરૂરિયાતમંદોને પહોંચાડવામાં આવી રહી છે. આ ઉપરાંત એક મહિનામાં મિશન 15 લાખ લોકોને એક ટંકનના ભોજનના ફૂડ પેકેટ્સના વિતરણની નેમ ધરાવે છે. લોકો આનો લાભ લે એ માટે હેલ્પલાઇન સુવિધા પણ શરૂ કરવામાં આવી છે.

ડોક્ટર્સ અને નર્સો આસપાસના વિસ્તારમાં કોરોના જાગૃતિ માટે સક્રિય

શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલના ડોક્ટર્સ અન  અન્ય સ્ટાફ ધરમપુરની આસપાસના આદિવાસી વિસ્તારોમાં ફરીને લોકોને આ રોગચાળા સામે સાવચેતીનાં પગલાં, લક્ષણો, તપાસ અને કોનો સંપર્ક કરવો એ બાબતો વિશે લોકોને માહિતગાર કરી રહ્યા છે.

શ્રીમદ રાજચંદ્ર એનિમલ નર્સિંગ હોમ પણ કાર્યરત

શ્રીમદ રાજચંદ્ર એનિમલ નર્સિંગ હોમ ધરમપુરમા તેમ જ મોબાઇલ વેન દ્વારા રસ્તે રઝળતા પ્રાણીઓને બિસ્કિટ અને રોટલીઓનું નીરણ કરી રહ્યા છે અને એમને તબીબી સારવાર પણ આપી રહ્યા છે.

જો લોકડાઉન પછી પણ જરૂર પડશે તો મિશન હોસ્પિટલના બેડ, વેન્ટિલેટર્સ અને આવશ્યક સ્રોત પૂરા પાડવા કટિબદ્ધ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]