ડ્રગ્સ સાથેના ડ્રોનને BSF જવાનોએ તોડી પાડ્યું

ચંડીગઢઃ પાકિસ્તાનમાંથી આવેલું એક ડ્રોન એમાંના કેફી પદાર્થોનો જથ્થો પંજાબમાં આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગી ભારતમાં ફેંકે એ પહેલાં જ સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના જવાનોએ પીછો કરીને એને તોડી પાડ્યું હતું અને તે પાકિસ્તાનની ધરતી પર પડ્યું હતું.

તે ડ્રોનને બીએસએફના જવાનોએ મંગળવારે સાંજે લગભગ 7.20 વાગ્યે ગોળીબાર કરીને તોડી પાડ્યું હતું. એ પાકિસ્તાનની ધરતી પર પડ્યા બાદ પાકિસ્તાન રેન્જર્સના જવાનો એને લઈ ગયા હતા. આ ઘટના અમૃતસરમાં ડાઓકે બોર્ડર પોસ્ટ નજીક બની હતી. તે ડ્રોનને તોડી પડાયા બાદ આજે સવારે એ ભારતીય બોર્ડર પોસ્ટ ભારોપાલની બરાબર સામેની બાજુએ પાકિસ્તાનની ધરતીની અંદર 20 મીટરના અંતરે પડેલું દેખાયું હતું. ભારતીય જવાનોને ભારોપાલ ગામમાં સરહદ પરની વાડની પાછળ એક પેકેટ મળી આવ્યું હતું જેમાં 4.3 કિલોગ્રામ કેફી દ્રવ્ય હેરોઈન હતું. હેરોઈનનું પેકેટ એ ડ્રોનમાંથી ફેંકવામાં આવ્યું હોવાની જવાનોને શંકા છે. કારણ કે બીએસએફના જવાનોના ગોળીબારનો શિકાર બન્યું એ પહેલાં તે ડ્રોન થોડીક મિનિટો સુધી આકાશમાં ચક્કર મારતું રહ્યું હતું. બાદમાં પાછા ફરતી વખતે એ પાકિસ્તાનની ધરતી પર ફસડાઈ ગયું હતું.