શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં છ જિલ્લાની 26 સીટો પર મતદાન જારી છે. સવારે 11 કલાક સુધી 24.10 ટકા મતદાન થયું હતું. આમાં 25.78 લાખ મતદાતાઓ મતદાન કરી શકશે. સીટ વહેંચણી અનુસાર NC 51 સીટો પર, કોંગ્રેસ 32 સીટો પર અને CPI (M) એક સીટ પર ચૂંટણી લડી રહી છે.
રાજ્યમાં મતદાનની વચ્ચે NCના ઉમર અબદુલ્લાએ રાહુલ ગાંધીને કાશ્મીર ચૂંટણી પ્રચાર ખતમ કરવા અને જમ્મુ પર ધ્યાન કેન્દ્રિત કરવા આગ્રહ કર્યો હતો. તેમણે એ વાત પર ભાર મૂક્યો હતો કે માત્ર કાશ્મીરમાં જ પ્રચાર કરવાને બદલે કોંગ્રેસે જમ્મુને પ્રાથમિકતા આપવી જોઈએ. જ્યાં એની પાસે મોટા ભાગની સીટો છે. મને આશા છે કે રાહુલ કાશ્મીરમાં એક-બે સીટો પર પ્રચાર કર્યા પછી જમ્મુ પર ધ્યાન કેન્દ્રિત કરશે. કોંગ્રેસ કાશ્મીરમાં શું કરશે એ મહત્ત્વનું નથી, પણ કોંગ્રેસ જમ્મુમાં શું કરે છે, એ મહત્ત્વનું છે.
તેમણે કહ્યું હતું કે અમે 10 વર્ષથી રાહ જોઈ રહ્યા છીએ. પહેલા તબક્કાનું મતદાન સારું રહ્યું હતું. અમને બીજા તબક્કામાં પણ સારા મતદાનની અપેક્ષા છે. એ ઉત્સાહજનક રહ્યું છે.જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીમાં છ જિલ્લાના 26 મતવિસ્તારોમાં 239 ઉમેદવારો મેદાનમાં છે. બીજા તબક્કામાં 131 ઉમેદવારો કરોડપતિ છે અને 49 ઉમેદવારો પર ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન પહેલી ઓક્ટોબરે થશે અને મતોની ગણતરી આઠ ઓક્ટોબરે પૂરી થશે.