નોએડાઃ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોએડામાં એક આશ્ચર્યજનક ઘટનામાં એક સોસાયટીમાં 23 વર્ષીય મહિલાના ઘરે કરિયાણાનો સામાન આપવા આવનાર ડિલિવરી બોયે યુવતી પર બળાત્કાર કર્યો હતો. પોલીસે આ ઈ-કોમર્સ કંપનીના એજન્ટની ધરપકડ કરી છે. પોલીસે આરોપી સાથે કરેલી અથડામણ પછી એની ધરપકડ કરી છે. આરોપી ડિલિવરી બોય ગ્રાહકને ઘરમાં એકલી જોઈને લાભ ઉઠાવ્યો હતો. જેથી આ વિસ્તારના લોકો ગુસ્સામાં હતા.
આ આરોપીની ઓળખ સુમિત સિંહ તરીકે થઈ છે અને પોલીસે એની ધરપકડ કરી છે. મહિલાએ 27 ઓક્ટોબરે મોબાઇલ એપથી ખરીદેલા કરિયાણાના સામાનને પહોંચાડવા માટે સુમિત તેના ઘરે ગયો હતો.
અહેવાલ અનુસાર મહિલા તેના ઘરમાં એકલી હોવાનું જાણ થતાં ડિલિવરી બોય સુમિત સિંહ તેના ઘરમાં ઘૂસી ગયો હતો અને તેણે મહિલા સાથે જબરજસ્તી કરીને બળાત્કાર કર્યો હતો. આ ઘટના પછી પીડિત મહિલાએ દુષ્કર્મની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી હતી. આ ફરિયાદને આધારે પોલીસે સુમિતની ધરપકડ કરીને મામલાની તપાસ શરૂ કરી હતી.
પોલીસ જ્યારે આ કેસમાં સુમિતની ધરપકડ કરવા ગઈ હતી, ત્યારે તે કોન્સ્ટેબલને ચકમો આપવામાં સફળ રહ્યો હતો અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસની ટીમોએ તેના પર ગોળીઓ ચલાવી હતી. પોલીસની ગોળીઓના જવાબમાં તેણે પણ ફાયરિંગ કર્યું હતું, જેમાં સુમિતના પગમાં ગોળી વાગી હતી. સુમિત હાલ હોસ્પિટલમાં છે અને તેની સારવાર ચાલી રહી છે. સુમિતની આ પહેલાં ગેરકાયદે દારૂ વેચવાના આરોપમાં ધરપકડ થઈ ચૂકી છે.