ઘણી જર્મન ટ્રેનો કરતાં દિલ્હી મેટ્રો ચઢિયાતી છેઃ જર્મન રાજદૂત

નવી દિલ્હીઃ વસ્તીના મામલે ચીનને પાછળ રાખી દઈને ભારત દુનિયામાં નંબર-1 બનતાં જર્મન મેગેઝિન ‘ડેર સ્પાઈજેલ’માં ભારતની ટીકા કરતું એક કાર્ટૂન છપાયું હતું. એનો વિવાદ થયો છે. ખુદ જર્મનીના ભારતસ્થિત રાજદૂત ફિલિપ એકરમેનને પણ એ કાર્ટૂન પસંદ પડ્યું નથી.

એકરમેને કહ્યું છે કે, તે કાર્ટૂન ન તો રમૂજી છે કે ન તો ઉચિત છે. મારું આ કાર્ટૂન દોરનારને આમંત્રણ છે કે તે દિલ્હી આવે અને મારી સાથે દિલ્હીની મેટ્રો ટ્રેનમાં સવારી કરે. મારું માનવું છે કે જર્મનીની ઘણી મેટ્રો ટ્રેનો કરતાં દિલ્હી મેટ્રો સેવા ચઢિયાતી છે. કાર્ટૂનિસ્ટે ભારત વિશે થોડીક વધારે માહિતી મેળવવી જોઈએ અને એ પણ જાણવું જોઈએ કે ભારતની મેટ્રો રેલવે સિસ્ટમ કેટલી આધુનિક છે.