દિલ્હી ચૂંટણીઃ AAPએ 11 ઉમેદવારોની પહેલી યાદી જારી કરી

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (AAP)એ આગામી વર્ષે થનારી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 11 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી.. જેમાં છ ઉમેદવારો ભાજપ-કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને આવેલા નેતોનાં નામ છે. ભાજપમાંથી ધારાસભ્ય રહી ચૂકેલા બે નેતાઓને આપ દ્વારા ટિકિટ આપવામાં આવી છે, જેમાં બ્રહ્મ સિંહ તંવર (છતરપુર), અનિલ ઝા (કિરારી), બીબી ત્યાગી (લક્ષ્મીનગર) હાલમાં ભાજપ છોડીને આપમાં સામેલ થયા છે, જ્યારે જુબૈર ચૌધરી (સીલમપુર), વીર સિંહ ધિંગાન (સીમાપુરી) અને સોમેશ શૌકીન (મટિયાલા) કોંગ્રેસ છોડીને આપમાં સામેલ થયા હતા.

સરિતા સિંહ (રોહતાસ નગર), રામ સિંહ નેતાજી (બદરપુર), ગૌરવ શર્મા (ધોંડા), મનોજ ત્યાગી (કરાવલ નગર) અને દીપક સિંઘલ (વિશ્વાસ નગર) અન્ય ઉમેદવાર હતા, જેમનાં નામોની ઘોષણા કરવામાં આવી હતી.

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આપ દ્વારા જાહેર કરવામાં આવેલા 11 ઉમેદવારોની પ્રથમ યાદીમાં ત્રણ ધારાસભ્યોની ટિકિટ કપાઈ છે. જેમાં કિરાડીમાંથી ઋતુરાજ જ્હાં, સીલમપુરમાંથી અબ્દુલ રહમાન, અને મટિયાલામાંથી ગુલાબ સિંહ છે. પક્ષે આ ત્રણેય નેતાઓને ટિકિટ આપવાના બદલે ભાજપ અને કોંગ્રેસમાંથી આવેલા એવા નેતાઓને ટિકિટ આપવાનું પસંદ કર્યું છે કે જેઓ 2020માં ચૂંટણી હારી ગયા હતા. કેજરીવાલે પહેલાં કહ્યું હતું કે ચૂંટણી માટે ટિકિટનું કામ, જનતાનો મત અને સંભવિત જીતની સંભાવનાઓને આધારે વહેંચવામાં આવશે. વર્ષ 2020માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં આપે કુલ 70માંથી 62 બેઠકો પર જીત હાંસલ કરી હતી.