માર્ચમાં દિલ્હી એરપોર્ટ વિશ્વમાં બીજું સૌથી વ્યસ્ત એરપોર્ટ

નવી દિલ્હીઃ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને મામલે દિલ્હી એરપોર્ટ માર્ચ, 2022માં વિશ્વનું બીજા ક્રમાંકનું સૌથી વ્યસ્ત એરપોર્ટ હતું, એમ વૈશ્વિક યાત્રા સંબંધી ડેટા ઉપલબ્ધ કરાવનાર ઓફિશિયલ એરલાઇન ગાઇડે (OAGએ) જણાવ્યું હતું. જોકે અમેરિકાનું એટલાન્ટા એરપોર્ટ સૌથી વ્યસ્ત પહેલા ક્રમાંકનું એરપોર્ટ બન્યું છે.   

OAGના રિપોર્ટ મુજબ GMR દ્વારા ચલાવાતું આ એરપોર્ટ ફેબ્રુઆરીમાં ત્રીજા ક્રમાંકે હતું, એણે દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસેથી ત્રીજા ક્રમાંક આંચકી લીધો હતો. જોકે દુબઈ એરપોર્ટ માર્ચમાં બીજા ક્માકે હતું, દિલ્હીએ તેની પાસેથી બીજો ક્રમાંક હાંસલ કરી લીધો હતો, એમ રિપોર્ટ કહે છે.

રસપ્રદ વાત એ છે કે દિલ્હી એરપોર્ટ કોરોના રોગચાળા પહેલાં માર્ચ, 2019માં 23મા સ્થાને હતું અને એણે આ વર્ષના માર્ચમાં બીજો ક્રમાંક હાંસલ કરવા માટે 21 ક્રમાંકનો કૂદકો લગાવ્યો હતો. અમેરિકાના એટલાન્ટા, ભારતના દિલ્હી અને UAEના દુબઈ એરપોર્ટ્સે ક્રમશઃ 44.2 લાખ પ્રવાસીઓ, 36.1 અને 35.5 પેસેન્જરોની કામગીરી સંભાળી હતી.

દિલ્હી એરપોર્ટ કોરોના રોગચાળામાં બહુ ખરાબ રીતે પ્રભાવિત હતું અને યાત્રા પ્રતિબંધોએ સતત બે વર્ષ યુધી પ્રવાસ અને પર્યટન ક્ષેત્રો પર પ્રતિકૂળ અસર કરી હતી, એમ દિલ્હી એરપોર્ટ ઇન્ટરનેશનલ લિ. (DIAL)ના CEO વિદેશકુમાર જયપુરિયાએ કહ્યું હતું, પણ હવે વિશ્વમાં રસી લીધેલા લોકોની આવ-જાથી અને સરકારે ટ્રાવેલ નિયંત્રણો હળવાં કરતાં તેમ જ અનેક દેશો તેમની સરહદો ખુલ્લી મૂકતાં પ્રવાસીઓ સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

ભારતે ગયા મહિને એની સરહદો ખુલ્લી મૂકી દીધી હતી અને રસી લીધેલા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ દેશમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી.