દિલ્હીમાં વધતા પ્રદૂષણને કારણે GRAP 3 લાગુ કરવાનો નિર્ણય

નવી દિલ્હીઃ દિલ્હીમાં પ્રદૂષણને કારણે સ્થિતિ દિન-પ્રતિદિન વણસી રહી છે. દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં હવે ઓનલાઇન શિક્ષણ આપવામાં આવશે. વધતા પ્રદૂષણને કારણે CM આતિશીએ આદેશ આપ્યો હતો. આગામી આદેશ સુધી દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં માત્ર ઓનલાઇન ભણાવવામાં આવશે. નવી દિલ્હીમાં ગુરુવારે સવારે સરેરાશ AQI 430 નોંધાયો હતો, જે ગંભીર શ્રેણીમાં આવે છે. જ્યારે બુધવારે સરેરાશ AQI 349 નોંધાયો હતો.

પ્રદૂષણ ચિંતાજનક સ્તરે પહોંચતાં CAQM એ ગુરુવારે દિલ્હી-નેશનલ કેપિટલ રિજિયન (NCR)માં GRAP ફેઝ-3 હેઠળ નિયંત્રણો લાદ્યાં છે. રાજધાનીમાં હવાની ગુણવત્તા સતત બીજા દિવસે ‘ગંભીર’ કેટેગરીમાં રહી હતી, જેને કારણે સત્તાવાળાઓએ પ્રદૂષણ વિરોધી કડક પગલાં લાદવાનું સૂચન કર્યું હતું, જે શુક્રવારથી અમલમાં આવશે.દિલ્હીનાં 39 પ્રદૂષણ મોનિટરિંગ સ્ટેશનોમાંથી 32એ એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI)ને ગંભીર જાહેર કર્યો છે. આ હવામાં શ્વાસ લેવો પણ મુશ્કેલ છે. અહીં તમામ પ્રાથમિક (પાંચ ધોરણ સુધી) શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. બાળકો ઓનલાઇન ક્લાસમાં અભ્યાસ કરશે.

એર કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)એ NCR એટલે કે હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનથી આવતી બસોને દિલ્હી આવવા પર પ્રતિબંધ મૂક્યો છે. CNG અને ઇલેક્ટ્રિક વાહનોની સાથે BS-4 ડીઝલ બસોને આમાંથી મુક્તિ આપવામાં આવી છે.

અમેરિકન વૈજ્ઞાનિક હિરેન જેઠવાએ 14 નવેમ્બરે દિલ્હીની સેટેલાઇટ તસવીરો શેર કરી છે. હિરેનને મતે દિલ્હીમાં ગાઢ ધુમ્મસ છે અને AQI ગંભીર કેટેગરીમાં છે. અન્ય કેટલાંક શહેરોની ગરમીની અસર દિલ્હી પર પડી રહી છે. પંજાબના ખેડૂતો ખેતરોમાં પરાળી સળગાવી રહ્યા છે. વાહનોમાંથી નીકળતો ધુમાડો પણ AQIને બગાડી રહ્યો છે.