નવી દિલ્હીઃ લાખો કેન્દ્રીય કર્મચારીઓને બહુ જલદી સારા સમાચાર મળે એમ છે. સરકાર મોંઘવારી ભથ્થાં (DA) પર મોટો નિર્ણય લઈ શકે છે. કેન્દ્ર સરકાર કર્મચારીઓની સેલરી વધારે એવી શક્યતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સરકાર ઔદ્યોગિક કામદારો માટેનો કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI-IW)નું બેઝ યર એટલે કે આધાર વર્ષમાં ફેરફાર કરે એવી શક્યતા છે. જો સરકાર આ આધાર વર્ષને 2016 કરશે તો કર્મચારીઓને મળનારા મોંઘવારી ભથ્થાંમાં વધારો નક્કી માનવામાં આવશે. આ ફેરફારથી દેશના 48 લાખ કેન્દ્રીય કર્મચારીઓને લાભ મળશે.
સરકાર 21 ઓક્ટોબરે મોટો નિર્ણય લે એવી સંભાવના છે. સરકારના આ કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI-IW)નું આધાર વર્ષમાં ફેરફાર કરવાની પૂરી સંભાવના છે. આ સંબંધે સરકાર દ્વારા વિગતવાર માહિતી જારી કરવામાં આવે એવી શક્યતા છે.
આ વર્ષના પ્રારંભમાં કેન્દ્ર સરકારે DAની ચુકવણીને મંજૂરી આપી દીધી હતી અને પ્રક્રિયા પણ શરૂ થવાની હતી, પણ માર્ચમાં રોગચાળાને કારણે દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન સરકારે DAની ચુકવણી અટકાવી દીધી હતી. સરકાર દ્વારા આ પ્રતિબંધ વર્ષ 2021 સુધી જારી રહેશે. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને 17 ટકા લેખે મોંઘવારી ભથ્થાની ચુકવણી થઈ રહી છે.
રાહ હવે 21 ઓક્ટોબરની
કેન્દ્રીય કર્મચારીઓને હવે 21 ઓક્ટોબરે સરકારે શો નિર્ણય લે છે એના પર નજર રહેલી છે. કેન્દ્રીય શ્રમ અને રોજગારપ્રધાન સંતોષકુમાર ગંગવાર આ દિવસે CPI-IW સૂચકાંક જારી કરે એવી ધારણા છે. જો સરકાર આમાં ફેરફાર કરશે તો કર્મચારીઓના વેતનમાં વધારો નક્કી છે. વેતન અને DAનું આકલન આ CPI-IWને આધારે હોય છે. જો એના આધાર વર્ષમાં ફેરફાર થશે તો સીધી મોંઘવારી ભથ્થાં પર અસર થાય છે. CPI-IWના આધાર વર્ષ બદલાશે તો ખાનગી ક્ષેત્રના કામદારોના ન્યૂનતમ વેતનમાં પણ વધારો થશે.
શું હોય છે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ
કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ એક મહત્ત્વપૂર્ણ માપદંડ હોય છે. એનો ઉપયોગ ચીજવસ્તુઓની સરેરાશ કિંમતના માપ માટે હોય છે. ચીજવસ્તુઓ અને સેવાઓના એક સ્ટાન્ડર્ડ ગ્રુપની સરેરાશ મૂલ્યની ગણતરી કરીને એનું કેલક્યુલેશન થાય છે. એનો ઉપયોગ અર્થતંત્રમાં રિટેલ ફુગાવાના આકલન કરીને કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની ગણતરી માટે પણ કરવામાં આવે છે.
