નવી દિલ્હીઃ કોંગ્રેસે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોના મોંઘવારી ભથ્થાંમાં વધારો નહીં કરવાના સરકારના નિર્ણયની આલોચના કરતાં કહ્યું છે કે મોદી સરકારે સૈનિકો અને કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થા (DA) કાપ મૂકવાને બદલે સેન્ટ્રલ વિસ્ટા, બુલેટ ટ્રેન યોજનાઓ અને ફાલતુ ખર્ચ ટાળવા જોઈએ. ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે કહ્યું હતું કે સરકારી કર્મચારીઓનાં ભથ્થામાં કાપ ના મૂકવો જોઈએ. હું માનું છું કે આવા કપરા કાળમાં પણ કેન્દ્રીય કર્મચારીઓ અને સૈનિકો પર આવા નિર્ણયો ઠોકી બેસાડવા ના જોઈએ.
વાયનાડથી કોંગ્રેસના સંસદસભ્ય અને ભૂતપૂર્વ પક્ષપ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મને વાંધો એ છે કે લાખ્ખો કરોડની બુલેટ ટ્રેન યોજના અને સેન્ટ્રલ વિસ્ટા બ્યુટિફિકેશન યોજનાને પાછળ ઠેલવાને બદલે સરકાર કોરોનાથી ઝઝૂમી રહેલા અને જનતાની સેવા કરી રહેલા કેન્દ્રીય કર્મચારીઓ, પેન્શનધારકો અને દેશના જવનાનોનાં મોંઘવારી ભથ્થાં (DA)માં કાપ મૂકી રહી છે. આ સરકારનો અસંવેદનશીલ તથા અમાનવીય નિર્ણય છે. તમે મિલ ક્લાસથી પૈસા લઈ રહ્યા છે, પણ ગરીબોને આપી નથી રહ્યા અને એને સેન્ટ્રલ વિસ્ટા પર ખર્ચ કરી રહ્યા છો.
ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિંદબરમે પણ સરકારના આ નિર્ણયની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે સરકારે કેન્દ્રીય કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થાંમાં કાપ મૂકતાં પહેલાં બુલેટ ટ્રેન, સેન્ટ્રલ વિસ્ટા જેવી યોજનાઓ અટકાવવી જોઈએ. કોંગ્રેસ નેતા વેણુગોપાલ, રણદીપ સૂરજેવાલસ મનીષ તિવારી, સુપ્રિયા શ્રીનાતે, ગૌરવ વલ્લભ, રોહન ગુપ્તા અને પ્રવીણ ચક્રવર્તીએ પણ સરકારના નિર્ણય સામે સવાલો ઊભા કર્યા હતા અને તત્કાલ એને પાછો લેવાની માગ કરી હતી.
મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થાંના ત્રણ વધારાના હપતા પર રોક લગાવવાનો નિર્ણય હતો. આમાં એક જાન્યુઆરીથી લાગુ કરવામાં આવેલા ચાર ટકાના મોંઘવારી દર પણ સામેલ છે. જોકે સરકારે એ સ્પષ્ટ કર્યું હતું કે કર્મચારીઓને હાલના દરે મોંઘવારી ભથ્થું મળતું રહેશે. મોંઘવારી ભથ્થાનો હાલનો દર 17 ટકા છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયની અસર 50 લાખ કર્મચારીઓ અને 61 લાખ પેન્શન કર્મચારીઓ પર પડશે.