રશ્મિકા ડીપફેક વીડિયો કેસમાં શું પગલાં લીધાં: મહિલા પંચ (દિલ્હી પોલીસને)

નવી દિલ્હીઃ ઈન્ટરનેટ પર ફેલાયેલા દક્ષિણ તેમજ હિન્દી ભાષી ફિલ્મોની અભિનેત્રી રશ્મિકા મંદાનાનાં ડીપફેક વીડિયો વિશેના મીડિયા અહેવાલોને સ્વયં લક્ષમાં લઈને દિલ્હી મહિલા પંચે દિલ્હી પોલીસને આદેશ આપ્યો છે કે તે આ ઘટના અંગેનો ‘એક્શન ટેકન રિપોર્ટ’ તેને આપે.

મહિલા પંચે દિલ્હી પોલીસને આપેલી નોટિસમાં જણાવાયું છે કે, અહેવાલો અનુસાર, અભિનેત્રીએ પણ આ મામલે પોતાની ચિંતા વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે કોઈકે વીડિયોમાં પોતાની તસવીર સાથે ગેરકાયદેસર રીતે છેડછાડ કરી છે. પંચને જાણવા મળ્યું છે કે આ કેસમાં આજની તારીખ સુધી કોઈની પણ ધરપકડ કરવામાં આવી નથી. આ ખૂબ જ ગંભીર બાબર છે.

પંચે આદેશ આપ્યો છે કે દિલ્હી પોલીસ આ બાબતમાં નોંધાયેલી એફઆઈઆર ફરિયાદની કોપી, આરોપી વિશેની વિગત તેમજ એક્શન ટેકન રિપોર્ટ 17 નવેમ્બર સુધીમાં તેને સુપરત કરે. દિલ્હી મહિલા પંચનાં અધ્યક્ષા સ્વાતિ મલીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું છે કે, ‘AI  ટેક્નોલોજી વડે જનરેટ કરાયેલા અભિનેત્રી રશ્મિકાનાં ડીપ ફેક વીડિયોનો મામલો દિલ્હી મહિલા પંચે સ્વયં લક્ષમાં લીધો છે અને દિલ્હી પોલીસને નોટિસ મોકલી છે. આ કેસમાં હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. જે વ્યક્તિએ આ નકલી વીડિયો બનાવ્યો હોય એની સામે કડક પગલું ભરવું જ જોઈએ.’