રાહુલ ગાંધીએ ગોવામાં મુખ્ય પ્રધાન પરિકરની સરપ્રાઈઝ મુલાકાત લેતાં અટકળો

પણજી – કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે અહીં ગોવા વિધાનસભાની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી અને મુખ્ય પ્રધાન મનોહર પરિકરને એમની સત્તાવાર ચેંબરમાં જઈને પણ મળ્યા હતા. બંને નેતાએ બંધબારણે બેઠક યોજી હતી. એ બેઠકનો વિષય શું હતો એ હજી જાણવા મળ્યું નથી, પરંતુ રાહુલે આ મુલાકાતને અંગત ગણાવી છે. પરિકર સાથે રાહુલની આ મુલાકાતને લીધે રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની અટકળોએ જોર પકડ્યું છે.

હજી ગઈ કાલે જ રાહુલે એમના આરોપનો પુનરુચ્ચાર કર્યો હતો કે રફાલ યુદ્ધ જેટ વિમાનોના સોદાને લગતા ગુપ્ત દસ્તાવેજો પરિકર પાસે છે.

રાહુલે અમુક દિવસો પહેલાં એવો આરોપ મૂક્યો હતો કે રફાલ જેટ વિમાન સોદામાં થયેલા કૌભાંડમાં પરિકર પણ સામેલ છે.

પરિકરને કેન્સર થયું છે અને એ સારવાર લેવાની સાથોસાથ પોતાનું કામકાજ પણ સંભાળી રહ્યા છે.

રાહુલે આજે સવારે પરિકરની મુલાકાત લીધા બાદ ટ્વીટ કરીને જાણકારી આપી હતી. પરિકર જલદી સાજા થઈ જાય એવી પોતે એમને શુભેચ્છા આપી હતી એવું પણ એમણે ટ્વીટમાં લખ્યું છે.

રાહુલ બાદમાં વિધાનભવનમાં વિપક્ષી લોબી તરફ ગયા હતા અને પોતાની પાર્ટીના વિધાનસભ્યોને મળ્યા હતા અને એમની સાથે થોડીક વાર ચર્ચા કર્યા બાદ ત્યાંથી રવાના થઈ ગયા હતા.

પરિકરને મળવા જતી વખતે રાહુલની સાથે એમની પાર્ટીના નેતા અને વિધાનસભામાં વિપક્ષી નેતા ચંદ્રકાંત કાવલેકર પણ હતા. પત્રકારોએ પૂછતાં કાવલેકરે કહ્યું કે એ ઔપચારિક મુલાકાત હતી અને રાહુલે પરિકરની તબિયત વિશે પૃચ્છા કરી હતી. એમના આરોગ્ય સિવાય બીજા કોઈ વિષય પર ચર્ચા થઈ નહોતી.

રાહુલે ગઈ કાલે ટ્વીટ કરીને કહ્યું હતું કે, રફાલ સોદા અંગેની ગોવા ઓડિયો ટેપ્સ રિલીઝ થયાને 30 દિવસ થઈ ગયા છે. હજી સુધી આ મામલે કોઈ પોલીસ એફઆઈઆર નોંધાઈ નથી કે તપાસનો આદેશ અપાયો નથી કે પ્રધાન સામે કોઈ પગલું પણ ભરવામાં આવ્યું નથી. દેખીતી વાત છે કે ટેપ્સ સાચી છે અને ગોવાના મુખ્ય પ્રધાન પરિકર પાસે સંવેદનશીલ રફાલ સોદાના અમુક ધમાકેદાર સીક્રેટ દસ્તાવેજો છે. એ ગુપ્ત દસ્તાવેજોને કારણે એ વડા પ્રધાનને પણ ભારે પડી રહ્યા છે.

રાહુલ અને એમના માતા સોનિયા ગાંધી હાલ ગોવાની અંગત મુલાકાતે આવ્યાં છે. તેઓ ગઈ 26 જાન્યુઆરીએ ગોવા આવી પહોંચ્યાં હતાં.