બજેટ પહેલા ખેડૂતોને મોદી સરકારની ભેટ, 6680 કરોડના રાહત પેકેજને મંજૂરી

0
2191

નવી દિલ્હી– મોદી સરકારે બજેટ પહેલા જ દેશના ખેડૂતોને લઈને મોટી જાહેરાતા કરી છે. કેન્દ્ર સરકારે ચાર રાજ્યોમાં ખેડૂતો માટે 6680 કરોડ રૂપિયાના રાહત પેકેજને મંજૂરી આપી દીધી છે.

આ રાહત પેકેજનો લાભ આંધ્ર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, અને કાર્ણાટકના ખેડૂતોને મળશે. આ રકમમાં આંધ્રપ્રદેશના ખેડૂતો માટે 900.40 કરોડ રૂપિયા, મહારાષ્ટ્રના ખેડૂતો માટે 4714.28 કરોડ રૂપિયા, કર્ણાટકના ખેડૂતો માટે 950 કરોડ રૂપિયા અને ગુજરાતના ખેડૂતો માટે 127.60 કરોડના પેકેજને મંજૂરી આપવામાં આવી છે. આ રાજ્યોના અછતગ્રસ્ત ખેડૂતોને સરકારના આ નિર્ણયથી મોટી રાહત મળશે.

હાલ બજેટ પહેલા ખેડૂતોને રિઝવવા સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. જગતનો તાત પોતાના મત આપી ફરી મોદી સરકાર લાવે તે માટે કેન્દ્ર સરકાર તરફથી હાલ જાતજાતના પ્રયાસો થઈ રહ્યાં છે. 1 ફેબ્રુઆરીએ  વર્તમાન સરકારનું છેલ્લુ અને વચગાળાનું બજેટ છે. આ બજેટ પહેલા ખેડૂતોને રાહત પેકેજને મંજૂરી આપવામાં આવી છે.

નાના અને સીમાંત ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે સરકાર સતત પ્રયત્નો કરી રહી છે. ગત મહિને કેન્દ્ર સરકારના કેટલાક અધિકારીઓએ દુષ્કાળ પ્રભાવિત રાજ્યોની મુલાકાત લીધી હતી.

આ ઉપરાંત ચૂંટણીને લઈને આ બજેટમાં ખેડૂતોને હજુ વધુ રાહત અપાય તેવી શક્યતા છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ બજેટમાં ફસલ વીમા યોજના માટે વધુ ફંડની ફાળવણી થાય તેવી શક્યતા છે. આ યોજના હેઠળ સરકાર 15000 કરોડ રૂપિયા ફાળવી શકે છે. ગત બજેટમાં 13 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી હતી.