ચક્રવાત ‘મેંડૂસ’ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે

મુંબઈઃ બંગાળના અખાત  (ઉપસાગર) પરના આકાશમાં સર્જાયેલા હવાના નીચા દબાણના ક્ષેત્રને કારણે આકાર લઈ રહેલું ચક્રવાતી વાવાઝોડું ‘મેંડૂસ’ આજે દક્ષિણ ભારતની ભૂમિ પર ત્રાટકવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે મધરાતથી ભીષણ ચક્રવાતી વાવાઝોડું ‘મેંડૂસ’ પશ્ચિમ-વાયવ્ય તરફ આગળ વધશે અને તામિલનાડુ, પુડુચેરી, આંધ્ર પ્રદેશના દક્ષિણ ભાગ પરથી પસાર થશે. એ વખતે પવન પ્રતિ કલાક 65-75 કિ.મી.ની ઝડપે ફૂંકાશે. વાવાઝોડાને કારણે ભારે વરસાદ પણ પડશે. ચેન્નાઈમાં આજથી વધુ આદેશ મળે ત્યાં સુધી તમામ બાગ-બગીચાઓ અને મેદાનો બંધ કરી દેવાનો મહાનગરપાલિકાએ આદેશ આપ્યો છે. નાગરિકોને ચેતવણી આપવામાં આવી છે કે તેઓ આજે દરિયાકાંઠે ન જાય તેમજ પોતપોતાની કાર તથા વાહનો ખુલ્લા વિસ્તારોમાં પાર્ક કરે, ઝાડ નીચે નહીં. તામિલનાડુ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં આજે તમામ શાળાઓ અને કોલેજોને બંધ રાખવામાં આવી છે. તામિલનાડુના 3 જિલ્લા – ચેંગલપટ્ટુ, વિલ્લુપુરમ અને કાંચીપુરમમાં ‘રેડ એલર્ટ’ ઘોષિત કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે કહ્યું છે કે ‘મેંડૂસ’ને કારણે મહારાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. વિભાગે આ માટે ‘ઓરેન્જ એલર્ટ’ ઘોષિત કર્યું છે.

‘મેંડૂસ’ને કારણે મુંબઈમાં હળવો વરસાદ વરસે એવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 12 ડિસેમ્બરે મુંબઈના અમુક ભાગોમાં વીજળીના કડાકાભડાકા સાથે મુસળધાર વરસાદ પડવાની શક્યતા છે. આ ચક્રવાતને કારણે 12, 13, 14 અને 15 ડિસેમ્બરે મુંબઈ, થાણે, રાયગડ, પુણે, ગોવાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે.