વાવાઝોડા ફોનીથી ઓડિશા ખેદાનમેદાન; ભૂવનેશ્વર એરપોર્ટ બપોરથી ફરી શરૂ કરાશે

ભૂવનેશ્વર – ગઈ કાલે સવારે પ્રતિ કલાક 180-200 કિ.મી.ની ગતિવાળા પવન અને ધોધમાર વરસાદ સાથે ત્રાટકેલા વાવાઝોડા ફોનીએ ઓડિશા રાજ્યમાં વ્યાપક વિનાશ વેર્યો છે.

વાવાઝોડાએ પાટનગર ભૂવનેશ્વર અને પુરી જેવા મુખ્ય શહેરો સહિત અનેક સ્થળે ભારે નુકસાન કર્યું છે. કટક, ગાંજમ, ખુરદા, જગતસિંહપુર જિલ્લાઓમાં પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે. વાવાઝોડું ફોની ઓડિશાનાં પૂર્વ ભાગના સમુદ્રકાંઠાના વિસ્તારો પર ત્રાટક્યું હતું. વાવાઝોડાએ ઓડિશાનાં 14 જિલ્લાઓમાં હાહાકાર મચાવ્યો હતો. એમાં આઠ જણનો ભોગ લેવાઈ ગયો છે અને બીજાં સેંકડો ઘાયલ થયાં છે.

ભૂવનેશ્વરમાં રેલવે સ્ટેશન, AIIMS હોસ્પિટલ બિલ્ડિંગ, એરપોર્ટ, કલિંગા સ્ટેડિયમને ખૂબ નુકસાન પહોંચ્યું છે.

બિજુ પટનાયક ઈન્ટરનેશનલ એરપોર્ટની છત તેમજ ભૂવનેશ્વર રેલવે સ્ટેશનનાં છાપરાં વાવાઝોડાને કારણે ઊડી ગયા છે.

વાવાઝોડાએ કરોડો ઝાડને ઉખેડીને જમીનદોસ્ત કરી નાખ્યા છે. એવી જ રીતે, સમુદ્રકાંઠાના વિસ્તારોમાં વીજળીના થાંભલાઓ પણ ઉખડી ગયા છે, પરિણામે વીજપૂરવઠો ખોરવાઈ ગયો છે. ટેલિકોમ ટાવરો પણ ઉખડી ગયા હોવાથી સંદેશવ્યવહાર સેવાને પણ માઠી અસર પહોંચી છે.

કેન્દ્રીય મુલ્કી ઉડ્ડયન મંત્રાલય અને એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓએ ગઈ કાલે મોડી સાંજે બેઠક યોજી હતી. ભૂવનેશ્વરના એરપોર્ટ પરથી કમર્શિયલ વિમાન સેવા આજે બપોરે 1 વાગ્યાથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઓડિયા ભાષાની 4 ન્યૂઝ ચેનલો ગઈ કાલથી બંધ થઈ ગઈ હતી. કેટલીક ટીવી ચેનલોનાં ટેલીપોર્ટ્સ વાવાઝોડામાં ધ્વસ્ત થઈ ગયા છે.