સુરક્ષાદળોની મોટી સફળતા, ઘાટીમાંથી બુરહાન વાની ગેંગનો સફાયો કર્યો

શ્રીનગરઃ જમ્મુ-કશ્મીરના શોપિયાંમાં સુરક્ષાદળોને એક મોટી સફળતા હાથ લાગી છે. જિલ્લાના ઈમામ સાહેબ ગામમાં થયેલા સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થયેલા ઘર્ષણમાં 3 આતંકીઓ ઠાર થયા છે. આ એન્કાઉન્ટરમાં બુરહાન વાનીના બ્રિગેડ કમાન્ડર લતીફ અહેમદ ડાર ઉર્ફે લતીફ ટાઈગર ઠાર મરાયો છે. લતીફની સાથે આતંકી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીનના બે આતંકીઓ પણ ઠાર મરાયા છે. લતીફના મોતની સાથે જ ઘાટીમાંથી બુરહાન ગેંગનો ખાતમો થઈ ગયો છે.

સુરક્ષાદળોને મળેલી ગુપ્ત માહિતી અનુસાર તમામ આતંકી એક ત્રણ માળની ઈમારતમાં છુપાયેલા હતાં, જ્યાંથી તેઓ સતત સુરક્ષાદળો પર ફાયરિંગ કરી રહ્યાં હતાં. આતંકીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયાર મળી આવ્યા હતાં. પુલવામાનો રહેવાસી લતીફ 2014થી આતંકી પ્રવૃત્તિઓમાં જોડાયેલો હતો. માર્યા ગયેલા આતંકીઓની ઓળખાણ હિઝબુલ કમાંડર લતીફ અહેમદ ડાર ઉર્ફે લતીફ ટાઈગર, તારિક મૌલવી અને શરિક અહેમદ નેગરું તરીકે થઈ છે.

ગુરુવારે મોડી રાતે સુરક્ષાદળોએ ગામને ઘેરી લીધું હતું. જે જગ્યાએ આતંકીઓ છુપાયેલા છે ત્યાં જ સુરક્ષાદળોએ ફાયરિંગ કર્યું છે. આતંકીઓએ પણ જવાબમાં ગોળીબાર શરૂ કર્યો હતો.

સેનાના અધિકારીએ જણાવ્યું કે, એન્કાઉન્ટર દરમિયાન સ્થાનિક નાગરિકોએ સુરક્ષાદળો પર પત્થરમારો પણ કર્યો હતો. પત્થરબાજોને ખસેડવા માટે જવાનોએ પેલેટ ગનનો પણ ઉપયોગ કરવો પડ્યો હતો. આ દરમિયાન બે નાગરિકોને સામાન્ય ઈજા પણ પહોંચી હતી. અફવાઓ કે ખોટી માહિતી બહાર ન જાય તે માટે આ વિસ્તારમાં ઈન્ટરનેટ સુવિધાઓ બંધ કરી દેવાઈ હતી. આતંકીઓ પાસેથી મોટી સંખ્યામાં યુદ્ધ જેવી સ્થિતી દરમિયાન ઉપયોગમાં લેવાતા હથિયારો મળી આવ્યા હતા. આ ઉપરાંત તેમની પાસેથી વિસ્ફોટક સામગ્રી પણ મળી આવી હતી.

બુરહાન વાની આર્મી અને ભારતીય સુરક્ષા એજન્સીઓ માટે માથાનો દુખાવો બન્યો હતો. જેથી બુરહાન વાની પર 10 લાખનું ઈનામ હતું. તે યુવાનોને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે પ્રેરતો હતો. 8 જુલાઈ 2016ના રોજ અનંતનાગ જિલ્લાના કોકરનાગ ગામમાં  સેના અને આતંકીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં કાશ્મીરનો મોસ્ટ વોન્ટેડ આતંકી બુરહાન સહિત 3 આતંકીઓને ઠાર મરાયા હતા.તે સમયે સ્થાનિક લોકોએ આ એન્કાઉન્ટર સામે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]