નૂંહમાં કરફ્યુ, કલમ 144 લાગુઃ ત્રણનાં મોત, 15 જણ ઘાયલ

નૂંહઃ હરિયાણાના નૂંહ જિલ્લામાં સોમવારે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા કાઢવામાં આવેલી ધાર્મિક યાત્રા દરમ્યાન હોમગાર્ડના બે જવાનો સહિત ત્રણ લોકોનાં મોત થયાં છે અને કમસે કમ 15 લોકો ઘાયલ થયા છે. જિલ્લામાં સાંપ્રદાયિક હિંસા ભડકવાથી ઇન્ટરનેટ સેવા હંગામી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવી છે અને કલમ 144 લાગુ કરવામાં આવી છે. નૂંહ અને ફરિદાબાદમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સસ્પેન્ડ કરવામાં આવી છે. જ્યારે ગુરુગ્રામ, ફરિદાબાદ અને રેવાડીમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ જગ્યાએ સ્કૂલ-કોલેજ પણ બંધ કરવામાં આવી છે.

રાજ્યના ગૃહપ્રધાન અનિલ વીજે કેન્દ્ર સરકારથી વધારાના સુરક્ષા દળની માગ કરી છે. તેમણે કહ્યું હતું કે કોણ છે? એની પાછળ અને શું મહત્ત્વનું કારણ એ તપાસ કર્યા પછી દોષીઓને છોડવામાં નહીં આવે. હરિયાણામાં RAFની 20 કંપનીઓ તહેનાત થશે. હાલમાં ગુરગ્રામ અને આસપાસના વિસ્તારોમાં તણાવ છે. હાલ નૂંહમાં 13 કંપનીઓ તહેનાત કરવામાં આવી છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે હરિયાણાના નૂંહ જિલ્લામાં ભીડે VHPના સરઘસને અટકાવવાના પ્રયાસમાં કારોને આગ લગાડી દીધી હતી. એ દરમ્યાન હોમગાર્ડના જવાનોનાં મોત થયાં હતાં અને પોલીસકર્મચારીઓ સહિત 15 લોકો ઘાયલ થયા હતા.

દિલ્હીથી નજીક ગુરુગ્રામના સોહનામાં પણ હિંસા ભડકી હતી. મુસ્લિમ બહુમતી નૂંહમાં હિંસાની ખબર ફેલાતાં નજીકના ગુરુગ્રામ જિલ્લાના સોહનામાં મુસ્લિમ સમાજના લોકોની ભીડે ચાર વાહનો અને એક દુકાનમાં આગ લગાડી હતી. દેખાવકારોએ એક રસ્તા પર કલાકો સુધી આવ-જા બંધ રાખી હતી.

હરિયાણાના CM મનોહરલાલ ખટ્ટર નૂંહની સ્થિતિને લઈને ગૃહપ્રધાન અનિલ વીજ સાથે બેઠક યોજશે. આ બેઠકમાં હરિયાણાના મુખ્ય સચિવ અને ડીજીપી સહિત વહીવટી અધિકારીઓ હાજર રહેશે.