NCBના દરોડામાં ડ્રગ્સ પકડાઈ; ક્રૂઝ કંપનીની સ્પષ્ટતા

મુંબઈઃ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)ના અમલદારોની એક ટૂકડીએ ગઈ કાલે મુંબઈના સમુદ્રકાંઠા નજીક એક ક્રૂઝ જહાજ પર છાપો મારીને ત્યાં ચાલતી ડ્રગ્સની પાર્ટી બંધ કરાવી હતી અને 10 જણની ધરપકડ કરી છે. આ દસમાં એક જણ બોલીવુડના એક સુપરસ્ટારનો દીકરો છે જ્યારે બીજો જણ બોલીવુડના એક ચરિત્ર અભિનેતાનો દીકરો છે. એનસીબીના અમલદારોએ જહાજ પરથી કેફી દ્રવ્યોનો જથ્થો કબજે કર્યો છે. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે. પકડાયેલા લોકોને આજે એનસીબી અધિકારીઓ કોર્ટ સમક્ષ ઊભા કરશે.

સમાચાર પ્રસારિત થયા બાદ કોર્ડેલિયા ક્રૂઝીસ કંપનીના પ્રેસિડન્ટ અને સીઈઓ જર્ગન બેઈલોમે એક નિવેદનમાં કહ્યું છે કે એનસીબીના મલદારોને કેટલાક પ્રવાસીઓના સામાનમાં ડ્રગ્સ મળી આવી હતી. તે પ્રવાસીઓને તરત જ કોર્ડેલિયા જહાજ પરથી ઉતારી દેવામાં આવ્યા હતા. એને કારણે ક્રૂઝ જહાજની સફર વિલંબમાં પડી હતી. આ વિલંબ બદલ કોર્ડેલિયા કંપની મહેમાન પરિવારોની માફી માગે છે. આ વિલંબને કારણે જહાજ પર નવરાત્રી ઉત્સવની ઉજવણી માટે આયોજિત કરાયેલા ગરબા રાસ તથા સ્ટેજ શો સહિતની પાર્ટીની મજામાં વિક્ષેપ પડ્યો હતો. એનસીબીના અધિકારીઓએ દરોડો પાડ્યો ત્યારે ક્રૂઝ કંપનીની મેનેજમેન્ટ તથા સ્ટાફના સભ્યોએ એમને શક્ય તમામ મદદ કરી હતી. ડ્રગ્સના મામલામાં કંપનીનો કોઈ કર્મચારી કે ક્રૂ સભ્યો સંડોવાયેલા નથી. પર્યાપ્ત મંજૂરી મળ્યા બાદ જહાજને તેની સફરમાં આગળ વધવા દેવામાં આવશે.