દુબઈ-બુર્જ ખલીફાએ પણ બાપુને યાદ કર્યા; ‘ગાંધી જયંતી’ની અનોખી રીતે ઉજવણી કરી

દુનિયાની સૌથી ઊંચી ઈમારત દુબઈની બુર્જ ખલીફા છે. આ ઈમારતે 2 ઓક્ટોબર, શનિવારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને એમના 152મા જન્મદિને ભારતીયોની સાથોસાથ યાદ કર્યા હતા. આ ઈમારતે ગાંધીજી તથા ભારતીય તિરંગાની તસવીરોને રંગબેરંગી લાઈટ્સ વડે પ્રકાશિત કરી હતી. આ રીતે દુબઈ શાસન તથા બુર્જ ખલીફા ઈમારતે બાપુને આગવી રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

બુર્જ ખલીફા ઈમારતના સત્તાવાર ટ્વિટર પેજ પર આનો વિડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે. સાથે કેપ્શનમાં મહાત્મા ગાંધીના એક સુવાક્યને પણ ટાંક્યું છેઃ ‘તમે જો જગતમાં પરિવર્તન જોવા ઈચ્છતા હો તો પહેલાં સ્વયંને બદલો.’

ઉલ્લેખનીય છે કે, ગાંધી જયંતીને દુનિયાભરમાં ‘આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસે દુનિયાભરના દેશો, સંસ્થાઓ મહાત્મા ગાંધીના અહિંસા અને સહિષ્ણુતાના સંદેશને યાદ કરે છે તથા અનેક કાર્યક્રમોનું આયોજન પણ કરાય છે.