જમ્મુ-કશ્મીર: પથ્થરબાજોને પાઠ ભણાવશે CRPFની મહિલા કમાન્ડો ટીમ

શ્રીનગર- કશ્મીરમાં પથ્થરબાજોને પાઠ ભણાવવા વિશેષ કમાન્ડો ટીમ તૈયાર કરવામાં આવી છે. મહિલા કમાન્ડોની આ ટુકડી કશ્મીરમાં સુરક્ષા દળો માટે મુશ્કેલી ઉભી કરી રહેલા પથ્થરબાજોને પાઠ ભણાવશે. મહત્વનું છે કે, કશ્મીરમાં પથ્થરબાજોમાં સામેલ છોકરીઓ સુરક્ષા દળો માટે મોટો પડકાર સાબિત થઈ રહી છે. આતંકીઓ સામેની ઝુંબેશ દરમિયાન સુરક્ષા દળોએ પથ્થરબાજ છોકરીઓનો પણ સામનો કરવો પડે છે. પરંતુ હવે તેમનો પણ તોડ શોધી કાઢવામાં આવ્યો છે. પથ્થરબાજોનો સામનો કરવા CPRFની વિશેષ ટુકડી ‘સુપર 500’ મેદાનમાં આવી ગઈ છે.‘સુપર 500’ મહિલા કમાન્ડોની એવી ટીમ છે જેને ખાસ પથ્થરબાજોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. એક મહિનાની સખત તાલીમ દરમિયાન ‘સુપર 500’ ટીમમાં સામેલ દરેક મહિલા કમાન્ડોને પથ્થરબાજો પર લગામ લગાવવા વિશેષ તાલીમ આપવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે, કશ્મીર ખીણ પ્રદેશમાં પથ્થરબાજોનો સામનો કરવો ઘણું કપરું કામ છે. ચારેબાજુ પથરાવ વચ્ચે સુરક્ષા દળોએ પોતાને પણ સુરક્ષિત રાખવાના હોય છે અને સ્થિતિ ઉપર પણ કાબુ મેળવવાનો હોય છે. જેના માટે પણ મહિલા કમાન્ડોની વિશેષ ટીમ ‘સુપર 500’ વિશેષ મદદરુપ સાબિત થશે.

‘સુપર 500’ ટીમમાં સામેલ દરેક મહિલા કમાન્ડોને ત્રણ સ્તરે તાલીમ આપવામાં આવી છે. તાલીમ દરમિયાન સૌ પ્રથમ શીખવવામાં આવે છે કે, પથ્થરબાજી વચ્ચે પોતાની જાતને કેવી રીતે સુરક્ષિત રાખવી જેથી કોઈ ઈજા ન થાય. ત્યારબાદ તેમને શિખવવામાં આવે છે કે, ભીડ પર કેવી રીતે કાબુ મેળવવો. તેમ છતાં જો આતકીઓની ઢાલ બનેલા પથ્થરબાજો કાબુમાં નથી આવતા તો છેલ્લે તેમને બળ પ્રયોગ કેવીરાતે કરવો તે પણ શીખવાડવામાં આવે છે. જેના માટે મહિલા કમાન્ડોને લાઠી વિભાગ, ગેસ વિભાગ અને હથિયારની તાલીમ પણ આપવામાં આવે છે.

‘સુપર 500’ મહિલા કમાન્ડો ટુકડીને માત્ર પથ્થરબાજો સામે લડવા તૈયાર કરી છે એવું નથી. તેમને કોમ્બિંગ ઓપરેશન, એન્કાઉન્ટર અને બચાવ કામગીરી માટે પણ ખાસ તૈયાર કરવામાં આવી છે. જરુર પડ્યે મહિલા કમાન્ડોની આ બહાદુર ટીમ આતંકવાદીઓનું એન્કાઉન્ટર કરવા પણ સક્ષમ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]