નવી દિલ્હીઃ ગુજરાત રાજ્ય સહિત દેશમાં અનેક ઠેકાણે હાર્ટ એટેકને કારણે યુવા વ્યક્તિઓનાં ઓચિંતા મરણના કેસ વધી રહ્યા છે ત્યારે ભારત સરકાર હસ્તકની સંસ્થા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા એક કેસ-સ્ટડી હાથ ધરવામાં આવ્યો હતો અને તેના અહેવાલમાં એણે જણાવ્યું છે કે આ મરણોમાં કોરોનાવાઈરસનું રસીકરણ કોઈ પણ રીતે જવાબદાર નથી.
અનેક કિસ્સાઓમાં તંદુરસ્ત પુખ્ત વયનાં યુવાઓનાં થયેલા મરણ પાછળના કારણો વિશે અસ્પષ્ટતા પ્રવર્તે છે ત્યારે ICMR સંસ્થા દ્વારા તપાસ કરવામાં આવી છે. તેણે કરેલા તારણોની સમીક્ષા કરવાનું અને પ્રકાશન થવાનું હજી બાકી છે. સંસ્થાએ દેશમાં 18-45ની વયનાં પુખ્ત લોકોમાં ઓચિંતા મરણના વધી ગયેલા કિસ્સાઓ સાથે સંકળાયેલા પરિબળો વિશે તપાસ કરાવી છે. તેને એવું જણાયું છે કે હાર્ટ એટેકને કારણે યુવા વ્યક્તિઓનાં થયેલા મરણોમાં બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી તથા અન્ય આરોગ્ય સંબંધિત પ્રશ્નો મુખ્યત્વે કારણરૂપ છે. ICMRના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે અભ્યાસ અનુસાર, કોવિડ રસીકરણ તો વાસ્તવમાં પુખ્ત વયનાં લોકોમાં ઓચિંતા મરણનું જોખમ ઘટાડે છે. ઓચિંતા મરણની તકો વધારે એવા કેટલાક પરિબળો ધ્યાનમાં આવ્યા છે. જેમ કે, મૃતકોનાં પરિવારોમાં ઓચિંતા મરણના કિસ્સાઓનો ઈતિહાસ રહ્યો હોય, કોવિડ બીમારી માટે હોસ્પિટલમાં સારવાર લેવી પડી હોય, અમુક વ્યવહારો જેમ કે વધુ પડતો શરાબ પીવો અને મૃત્યુ નિપજ્યું હોય એના અમુક સમય પૂર્વે જ તીવ્ર શારીરિક વ્યાયામ કે પ્રવૃત્તિ કરી હોય.