કોરોનાનો વેરિઅન્ટ-XE ભારતમાં ઘૂસ્યો; પહેલો-કેસ મુંબઈમાં નોંધાયો

મુંબઈઃ મહામારી કોરોનાવાઈરસનો નવો વેરિઅન્ટ XE વધારે ઝડપથી ચેપ ફેલાવતો હોવાનું મનાય છે. આ વેરિઅન્ટનો પહેલો કેસ આજે મુંબઈમાં નોંધાયો હતો, એમ મુંબઈ મહાનગરપાલિકાના એક આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.

 

આ ઉપરાંત કપ્પા વેરિઅન્ટનો પણ એક કેસ નોંધાયો છે. જીનોમ સીક્વેન્સિંગ લેબોરેટરીમાં લોહીના 376 નમૂનાઓના જીનોમ સીક્વન્સિંગના પરિણામો પરથી આ જાણવા મળ્યું હતું. મુંબઈના 230 નમૂનાઓમાંના 228 ઓમિક્રોન વેરિઅન્ટના છે જ્યારે એકમાં કપ્પા વેરિઅન્ટ અને બીજા એકમાં XE વેરિઅન્ટ ચેપ હોવાનું માલૂમ પડ્યું હતું. નવા ચેપગ્રસ્ત દર્દીઓની તબિયત ગંભીર નથી એમ પણ તે અધિકારીએ જણાવ્યું છે. XE વેરિઅન્ટ ઓમિક્રોનના બે અન્ય પેટા-વેરિઅન્ટ BA.1 અને BA.2 કરતાં 10 ટકા વધારે ઝડપથી ચેપ ફેલાવે છે. તમામ કોરોના દર્દીઓમાં અત્યાર સુધી BA.2 વેરિઅન્ટ સૌથી વધારે ચેપી જણાયો હતો, પરંતુ XE તેનાથી પણ વધારે ચેપી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ કહ્યું છે કે નવો વેરિઅન્ટ અગાઉના વેરિઅન્ટ્સ કરતાં વધારે ચેપી છે.