નવી દિલ્હીઃ ભારતમાં વ્યાપક રોગના અગ્રગણ્ય વિજ્ઞાનીઓ (એપિડેમિઓલોજિસ્ટ) દ્વારા એવી ભલામણ કરવામાં આવી છે કે દેશમાં પ્રાથમિક વર્ગો સહિત તમામ સ્તરે શાળાઓ તાકીદે ફરી શરૂ કરવી જોઈએ અને વ્યક્તિગત વર્ગો ફરી શરૂ કરવા જોઈએ, કારણ કે સંભવિત જોખમો કરતાં એના લાભ વધારે પ્રમાણમાં જણાય છે.
550 મેડિકલ કોલેજોના 6,000થી વધારે ડોક્ટરોની બનેલી સંસ્થા – ઈન્ડિયન એસોસિએશન ઓફ પ્રીવેન્ટિવ એન્ડ સોશ્યલ મેડિસીને વૈજ્ઞાનિક માહિતીનું અવલોકન કર્યા બાદ એવી ભલામણ કરી છે કે વર્ગમાં સુધારિત વેન્ટિલેશન (વધારે સારા હવા-ઉજાસ)ની વ્યવસ્થા કરી, એકબીજાથી શારિરિક અંતર રાખી તથા મોઢા પર માસ્ક પહેરવા જેવી ઉચિત સાવચેતીઓ સાથે શાળાઓ ફરી શરૂ કરવી જોઈએ. સંસ્થાના પ્રમુખ ડો. સુનીલા ગર્ગે એક નિવેદનમાં કહ્યું છે કે કોવિડ-19 મહામારીને કારણે આપણા દેશના મોટા ભાગના લોકો શિક્ષણથી વંચિત છે અને ગ્રામિણ વિસ્તારોમાં તો શિક્ષણ જેવું કંઈ જ નથી. SARS -CoV-2 ચેપના જોખમો કરતાં શાળાઓ ફરી શરૂ કરવાના લાભ વધારે જણાય છે.