મુંબઈ : અહીંની સ્પેશિયલ હોલીડે કોર્ટે યસ બેન્કના સ્થાપક સીઈઓ રાણા કપૂરને આજે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી) એજન્સીની કસ્ટડીમાં મોકલી દીધા છે, જ્યાં એમને 11 માર્ચ સુધી રાખવામાં આવશે. ઈડી એજન્સીના અધિકારીઓએ 31 કલાક સુધી પૂછપરછ કર્યા બાદ આજે સવારે રાણા કપૂરની ધરપકડ કરી હતી.
ત્યારબાદ એમને પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.
આ કાયદા અંતર્ગત કેસ વિશેની પૂછપરછ માટે રાણા કપૂરને 7 માર્ચના શનિવારે ઈડી એજન્સીની મુંબઈસ્થિત કાર્યાલયમાં લઈ જવામાં આવ્યા હતા.
તપાસનીશ અધિકારીઓએ કપૂરના પત્નીને પણ પૂછપરછ માટે આજે કાર્યાલયમાં બોલાવ્યા હતા.
એજન્સીના અધિકારીઓએ મુંબઈના વરલી વિસ્તારમાં આવેલા ‘સમુદ્ર મહલ’ કોમ્પલેક્સમાં રાણા કપૂરના નિવાસસ્થાન પર દરોડા પાડ્યા હતા. નાણાકીય કૌભાંડમાં સંડોવાયેલી દીવાન હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ (DHFL) સાથે સંકળાયેલા કેસના સંબંધમાં કપૂર સામે પૂછપરછ કરવામાં આવી છે. યસ બેન્કે DHFL કંપનીને આપેલી લોન કથિતપણે નોન-પરફોર્મિંગ એસેટ્સ (એનપીએ) બની ગઈ છે.
દરમિયાન, યસ બેન્કના ખાતેદારોને રાહત થાય એવા સમાચાર એ છે કે એમને તેમના ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને યસ બેન્ક તથા અન્ય બેન્કોના એટીએમમાંથી પૈસા ઉપાડવાની પરવાનગી આપવામાં આવી છે. આ પહેલાં તેઓ માત્ર યસ બેન્કમાં જઈને જ પૈસા ઉપાડી શકતા હતા.
આ કટોકટીના સમયમાં ધીરજ રાખવા બદલ બેન્કે તેના ગ્રાહકોનો આભાર માન્યો છે.
ઉલ્લેખનીય છે કે ગયા ગુરુવારે ભારતીય રિઝર્વ બેન્કે યસ બેન્ક પર એમ કહીને પ્રતિબંધો મૂક્યા હતા કે યસ બેન્ક તેની મૂડી વધારવામાં નિષ્ફળ ગઈ છે અને એને કારણે તેની નાણાકીય ક્ષમતા સતત રીતે ઘટી ગઈ છે.
કેન્દ્ર સરકારે યસ બેન્કને કટોકટીમાંથી બહાર લાવવા માટે એક યોજના ઘડી છે. આરબીઆઈની મુસદ્દા પુનર્ઘડતર યોજના અંતર્ગત સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા યસ બેન્કમાં 49 ટકા હિસ્સો ખરીદશે. એસબીઆઈ સોમવારે પોતાનો આખરી અહેવાલ આરબીઆઈને સુપરત કરશે.