જયપુરઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે અહીં એમના પક્ષ દ્વારા આયોજિત ‘મોંઘવારી હટાવો રેલી’ને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે ભારત દેશ હિન્દુઓનો છે, હિન્દુત્વવાદીઓનો નથી. હિન્દુત્વવાદી લોકો ગમે તે ભોગે સત્તા પર રહેવા માગે છે. આજે દેશમાં જે મોંઘવારી છે અને જે સમસ્યાઓ છે તે હિન્દુત્વવાદીઓને કારણે છે. એમને સત્તા પરથી હટાવવાના જ છે. હિન્દુ અને હિન્દુત્વવાદી, બે અલગ શબ્દ છે. જેમ બે શરીર એક આત્મા હોઈ ન શકે, એમ આ બે શબ્દનો એક અર્થ બની ન શકે. હિન્દુ એ છે જે કોઈનાથી ડરે નહીં અને દરેકને અપનાવે છે. મહાત્મા ગાંધી હિન્દુ હતા અને ગોડસે હિન્દુત્વવાદી હતા.
રાહુલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરીને કહ્યું કે, એમના મિત્રોએ દેશને બરબાદ કરી નાખ્યો છે. મોદીજી અને એમના ત્રણ-ચાર ઉદ્યોગપતિ મિત્રોએ સાત વર્ષમાં દેશને બરબાદ કરી નાખ્યો છે.