પુણેઃ મહારાષ્ટ્રમાં એક તરફ જ્યાં કોરોના વાયરસના કેસો સતત વધતા ચિંતાનો વિષય બન્યા છે. ત્યાં જ પૂણેમાં સારવાર બાદ સ્વસ્થ થઈને ડિસ્ચાર્જ થઈ રહેલા દર્દીઓની સંખ્યામાં વધારો રાહતના સમાચાર લઈને આવ્યો છે. પુણે એકમાત્ર એવો જિલ્લો છે કે જ્યાં અત્યારસુધી કોરોના વાયરસના 10 જેટલા દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે.
પુણે નગર નિગમના સ્વાસ્થ્ય વિભાગના ડોક્ટર રાજેન્દ્ર હુંકારે જણાવ્યું કે, નાયડુ હોસ્પિટલમાં ભરતી થયેલા કોરોના વાયરસના બે વધારે દર્દીઓનું રિપીટ સેમ્પલ નેગેટિવ આવ્યું છે. બંન્નેને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ પુણે જિલ્લામાં કોરોના વાયરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 32 થઈ ચૂકી છે, જેમાંથી 10 લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
આ પહેલા પૂણેના પિંપરી ચિંચવાડ નિગમના કમિશ્નર શ્રવણ હાર્દિકરે જણાવ્યું હતું કે 3 લોકોના રિપીટ સેમ્પલમાં કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. આજે ત્રણેય લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કારણે બે અન્ય મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસની ઝપેટમાં આવીને જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 5 થઈ ગઈ છે. રાજ્યમાં કોરોના વાયરસના મામલાઓની સંખ્યા 127 થઈ ગઈ છે.
