મુંબઈનું લઘુતમ તાપમાન સૌથી ઊંચું

મુંબઈઃ ભારતીય હવામાન ખાતા (IMD)એ ચેતવણી ઉચ્ચારી છે કે આગામી પાંચ દિવસોમાં મહારાષ્ટ્રના મુંબઈ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ તેમ જ તોફાન આવવાની શક્યતા છે. હાલમાં મહારાષ્ટ્રના નાસિક, કોલ્હાપુર, પૂના, મહાબળેશ્વર તથા સોલાપુરમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો અને ઠંડા પવનો (મિની વાવાઝોડું) આવ્યું હોવાનું નોંધાયું છે.  25 માર્ચે પણ મહાબળેશ્વરમાં હલકાં કરાં પડ્યા હતાં, ત્યારે હવામાન ખાતાએ એની નોંધ લીધી હતી. મુંબઈના હવામાનની વાત કરીએ તો ગયા બુધવારે 25 માર્ચે રાત્રિએ મુંબઈ શહેરે છેલ્લાં 10 વર્ષમાં માર્ચ મહિનાનું તેનું લઘુત્તમ તાપમાન ઘણું ઊંચું નોંધાવ્યું છે. સાંતાક્રુઝ હવામાન વિભાગે ઓછામાં ઓછું તાપમાન 26° ડિગ્રી સેલ્સિયસ નોંધ્યું, જે રોજ કરતાં 4° ડિગ્રી વધુ છે. જ્યારે કોલાબા વિસ્તારમાં 1.8° ડિગ્રી વધુ નોંધાયું.

હવામાન ખાતાના એક અધિકારીના જણાવ્યા મુજબ ‘ઉત્તર કર્ણાટકથી લઈને દક્ષિણી મધ્ય મહારાષ્ટ્ર વચ્ચે ચક્રવાતી તોફાન સર્જાવાને કારણે મહારાષ્ટ્રમાં વાવાઝોડાની આ સ્થિતિ નિર્માણ થઈ છે.’

વાવાઝોડાને લીધે ઘઉં, જુવાર અને બાજરીને નુકસાન

IMDના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ કે. એસ. હોસાલિકર જણાવે છે કે ‘મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રમાં તોફાન આવવાને લીધે અનેક વિસ્તારોમાં થયેલા ઘઉં, જુવાર અને બાજરીના પાકને નુકસાન થયું છે.’ તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ‘આગામી દિવસોમાં મહારાષ્ટ્રમાં તોફાની ચક્રવાત થવાની, હવામાન ખાતાની ચેતવણીને લઈને લોકોએ પણ આ વિશે જાગ્રત રહેવું તેમ જ રોજિંદી હવામાન ખાતાની માહિતીની નોંધ લેવી.’

હાલમાં બદલાપુર, લોનાવાલા તેમ જ મુંબઈના અમુક વિસ્તારોમાં સામાન્ય હલકો વરસાદ નોંધાયો છે.  અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે ‘આગામી થોડા દિવસોમાં વાદળછાયું વાતાવરણ તેમ જ હલકો વરસાદ વરસે એવી શક્યતા છે.

હવામાન વિભાગ અનુસાર તાપમાનમાં આ વધારો બુધવારે સવારે દક્ષિણેથી ફૂકાયેલા ઉષ્ણ પવનને કારણે થયો હતો. પાંચ વર્ષ પહેલાં એટલે કે 28 માર્ચ  2015ના દિવસે સહુથી વધુ લઘુતમ તાપમાન 25.9° ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

જોકે આગામી દિવસોમાં વાદળ ઘેરાવાની તેમ જ વરસાદની આગાહીથી લોકો થોડી હળવાશ જરૂર અનુભવશે!

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]