નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાઈરસનો શિકાર બનેલા લોકોની સંખ્યા વધીને 46 થઈ છે. વિશ્વસ્તરે તો આ વાઈરસે અનેક લોકોનો ભોગ લીધો છે. કુલ મરણાંક 4000 પર પહોંચી ગયો છે.
ભારતમાં આ રોગચાળો ફેલાતો રોકવા માટે કેન્દ્ર સરકારે વિમાનીમથકો ખાતે પ્રવાસીઓના તબીબી સ્ક્રીનિંગ, જાહેર ટ્રાન્સપોર્ટ સાધનોની સફાઈ, દર્દીઓ માટે અલાયદા વોર્ડ ઊભા કરવા સહિત અનેક પગલાં લીધા છે.
આજે એક મહત્ત્વનો નિર્ણય લઈને મણિપુર રાજ્યની સરકારે મ્યાનમાર સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ બંધ કરી દીધી છે. એ દેશમાંથી કોરોનાનો ચેપ ભારતમાં ફેલાતો રોકવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. મણિપુરના મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહે આ નિર્ણય લીધો છે.
ભારતમાં જે નવા પાંચ કોરોના કેસ માલૂમ પડ્યા છે એમાં 3 વર્ષના એક બાળકનો પણ સમાવેશ થાય છે જે ગયા સપ્તાહાંતે એના માતાપિતા સાથે ઈટાલીથી સ્વદેશ પાછો ફર્યો હતો.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગઈ કાલે એવી ચેતવણી આપી હતી કે કોરોના વાઈરસ સમગ્ર વિશ્વને ભરડો લઈ લે એવી ઘણી જ ગંભીર સંભાવના છે, પરંતુ આ વાઈરસને કાબૂમાં પણ લઈ શકાય છે.
WHOના પ્રમુખ ટેડ્રોસ એડનોમ ગેબ્રિસસે કહ્યું છે કે દુનિયાએ કોરોના વાઈરસ સામે લાચાર બનીને બેસી રહેવાનું નથી. એને કાબૂમાં લેવાનો છે. પરંતુ કોરોના આખા વિશ્વને ભરડો લે એવું દુનિયાના ઈતિહાસમાં કદાચ પહેલી જ વાર બની શકે.
સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાએ કહ્યું છે કે કોરોના વાઈરસને કારણે દુનિયાના અર્થતંત્રને 2 ટ્રિલિયન ડોલરની ખોટ જવાનો સંભવ છે. કેટલાક દેશો આર્થિક મંદીમાં સપડાઈ જાય એવી પણ સંભાવના છે.
