નવી દિલ્હીઃ કોરોના વાયરસ લોકોને તેજીથી પોતાના ભરડામાં લઈ રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર મંગળવાર 12 વાગ્યા સુધીમાં 126 જેટલા દર્દીઓ નોંધાયા છે, જ્યારે ત્રણ લોકોના મોત થયા છે. દિલ્હીમાં કોરોના વાયરસના કારણે લાલ કિલ્લો, રાજઘાટ અને કુતુબ મીનારને બંધ કરી દેવામાં આવ્યો છે. ભારતીય સેનાએ કોરોના વાયરસને ધ્યાને રાખતા રાજૌરી અને પૂંછ જિલ્લાના ગામ કેરી, દરહલ, કુકલી, ગલુઠી અને બિસાલીમાં જાગૃતતા કાર્યક્રમોનું આયોજન કર્યું છે. ડોક્ટર્સે ત્યાં લોકોને કોરોનાનો ફેલાતો ચેપ અટકાવવાના ઉપાયો વિશે જણાવ્યું હતું.
ભારતમાં કોરોના વાયરસના વધતા સંકટને ધ્યાને રાખતા દિલ્હીમાં લાલ કિલ્લો, રાજઘાટ અને કુતુબ મીનારને લોકો માટે બંધ કરી દેવામાં આવ્યા છે.
કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં કોરોના વાયરસના ત્રણ વધારે મામલાઓની પુષ્ટી થઈ છે. આમાંથી લેહથી ત્રણ અને કારગિલથી એક કેસ સામે આવ્યો છે. અહીંયા દર્દીઓની સંખ્યા વધીને 6 થઈ ગઈ છે.
ભારતમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસો મહારાષ્ટ્રથી સામે આવ્યા છે. અહીંયા 39 જેટલા લોકોમાં વાયરસની પુષ્ટી થઈ છે, જ્યારે 64 વર્ષના એક દર્દીનું મોત થયું છે. 24 જેટલા પોઝિટિવ કેસો સાથે કેરળ બીજા અને ઉત્તર પ્રદેશ ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. દેશમાં અત્યારસુધીમાં 13 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે.