નવી દિલ્હીઃ સરકાર દ્વારા કોરાનાની રસી માટે બનાવવામાં આવેલી કોવિન એપમાં ત્રુટિ સામે આવી છે. સરકારના કોવિન રસીકરણના પ્લેટફોર્મ પર આધાર કાર્ડ અને પેન કાર્ડ જેવાં વિવિધ સ્વીકાર્ય ઓળખના દસ્તાવેજો જમા કરવાથી લાગે છે કે કેટલાક નાગરિકોને પહેલેથી ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરતાં કોરોનાની ત્રીજી રસી આપવામાં આવી રહી છે. આવી શક્યતા છે, કેમ કે કોવિન પ્લેટફોર્મ વિવિધ ઓળખપત્રોનો સ્વીકાર કરે છે, પણ એ પ્લેટફોર્મ એ માલૂમ કરવામાં સક્ષમ નથી કે શું એક જ વ્યક્તિએ વિવિધ ઓળખપત્રોને લિન્ક કર્યાં છે કે નહીં અને વિવિધ ઓળખપત્રોથી તેણે કેટલી વાર રસી લીધી છે.
સરકારની કોવિન પ્લેટફોર્મના વડાએ કબૂલ કર્યું હતું કે આનો કોઈ ઉપાય નથી, કેમ કે કોવિન સોફ્ટવેર એક વ્યક્તિનાં વિવિધ ઓળખપત્રોની ઓળખ નથી કરી શકતું, કેમ કે એ કાયદાની રીતે છૂટ નથી.
આંધ્ર પ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લામાં એક કોલેજના 50 વર્ષીય પ્રોફેસરે કોવિન પ્લેટફોર્મમાં આધાર કાર્ડ થકી 27 અને 28 ઓગસ્ટે કોવિશિલ્ડના બે ડોઝ લીધા હતા. એ પછી તેને આરોગ્ય મંત્રાલયે તેમને રસીકરણનું સર્ટિફિકેટ પણ મોકલ્યું, જેમાં તેમને સંપૂર્ણ રસીકરણ વ્યક્તિ તરીકે બતાવવામાં આવી, પણ ગયા મહિને તેમને ત્રીજો ડોઝ ઓફર કરવામાં આવ્યો અને તેમની પાસે પેન કાર્ડની માહિતી આપવા માટે કહેવામાં આવ્યું હતું. તેમણે ત્રીજા ડોઝ માટે સહમતી દર્શાવી અને તેમણે માની લીધું હતું કે સરકાર સત્તાવાર રીતે ત્રીજો ડોઝ તેમને આપી રહી છે. જે અનુસાર ત્રીજો ડોઝ મળી પણ ગયો એ પછી તેમને એક સર્ટિફિકેટ પણ મળી ગયું, જેમાં તેમને પહેલો ડોઝ લીધેલી વ્યક્તિ બતાવવામાં આવી, કેમ કે કોવિન સોફ્ટવેરે તેમને રસી નહીં લીધેલી વ્યક્તિ બતાવવામાં આવી હતી. ત્યારે કોવિન એપ બનાવનાર કંપનીને ધ્યાનમાં આવ્યું હતું કે કંઈક ગરબડ થઈ છે.