નવી દિલ્હીઃ દેશમાં સતત વધતા કોરોના વાઇરસના કેસોએ રાજ્ય સરકારોની ચિંતા વધારી દીધી છે. દરેક પ્રકારનાં નિયંત્રણો છતાં કેટલાંક રાજ્યોમાં સ્થિતિ નિયંત્રણ બહાર થઈ રહી છે. દેશમાં આશરે અઢી મહિના પછી એક દિવસમાં 25,000 કેસો સામે આવ્યા છે, જે એક દિવસમાં આ વર્ષની સૌથી સંખ્યા છે. મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ, ગુજરાત, તામિલનાડુ અને કર્ણાટકમાંથી સૌથી વધુ કેસો આવ્યા છે. દિલ્હી વિધાનસભાનું બજેટ સત્ર ચાર દિવસ પહેલાં અનિશ્ચિત કાળ સુધી સ્થગિત કરવામાં આવ્યું છે. રાજધાનીમાં કોરોના વાઇરસના વધતા કેસોને લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ બેકાબૂ
મહારાષ્ટ્રના પરભણી અને અકોલા જિલ્લામાં શુક્રવાર રાતથી સોમવાર સવાર સુધી લોકડાઉન લાદવામાં આવ્યું છે. એ જ રીતે અકોલામાં પણ લોકડાઉનની ઘોષણા કરવામાં આવી છે. જળગાવમાં જનતા કરફ્યુ લાદવામાં આવ્યો છે. ઔરંગાબાદમાં અને પુણેમાં પણ વીકએન્ડમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. આ પહેલાં નાગપુર શહેરમાં 15થી 21 માર્ચ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જોકે જરૂરી ચીજવસ્તુઓની સેવાઓ લોકડાઉનમાં પણ જારી રહેશે. રાજ્યમાં વધતા કોરોનાના નવા કેસો જોતાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સંકેત આપ્યા હતા કે રાજ્યના કેટલાય હિસ્સાઓમાં લોકડાઉન લગાવવાની નોબત આવી શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 15,000થી વધુ કેસો નોંધાયા છે. મુંબઈમાં છેલ્લા બે મહિનામાં કોરોના સંક્રમિત કેસોમાં 90 ટકા લોકો ઊંચા ટાવરમાં રહેતા લોકોથી સંબંધિત છે.
પંજાબમાં કોરોના કેસો વધતાં રાજ્યમાં સ્કૂલોને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી બાજુ લુધિયાણા, પટિયાલા, મોહાલી અને ફતેહગઢ સાહિબ સહિત આઠ જિલ્લાઓમાં નાઇટ કરફ્યુ લગાવવામાં આવ્યો છે.
મધ્ય પ્રદેશના ભોપાલ અને ઇન્દોરમાં પણ નાઇટ કરફ્યુ લગાવવામાં આવે એવી શક્યતા છે.