નવી દિલ્હીઃ જો સરકારો અને ઉદ્યોગો આ રોગચાળામાં કોઈ નક્કર પગલાં ના લે તો કોરોના વાઇરસની અસરે મેના અંત સુધીમાં વિશ્વની કેટલીય એરલાઇન્સ દેવાળું ફૂંકે એવી સંભાવના છે, એમ એક એવિયેશન સલાહકારે આ વિશે વિશ્વને ચેતવણી આપી છે. કેટલીય એરલાઇન્સો પહેલાંથી જ ટેક્નિકલરૂપથી નાદારી થવામાં અગ્રેસર છે અને દેવાંમાં ડૂબેલી છે, એમ સિડની બેઝ્ડ કન્સ્લ્ટન્સી કાપા (CAPA) સેન્ટર ફોર એવિયેશને સોમવારે એક નિવેદનમાં ચેતવણી આપી હતી.
તેણે એક નિવેદનમાં કહ્યું હતું કે એરલાઇન્સ ઝડપથી પોતાની રોકડનું ફંડ ઓછું કરી રહી છે, કેમ કે એમનાં વિમાન ઊડી નથી રહ્યાં અથવા જે ઊડી રહ્યાં છે, એ અડધાં ખાલી રહે છે. CAPAએ કહ્યું હતું કે જો એરલાઇન્સને મોટા નુકસાનથી બચાવવી હોય તો સરકારો અને ઇન્ડસ્ટ્રીએ જોડે મળીને પ્રયાસો કરવા પડશે. CAPAએ કહ્યું હતું કે જો આવું નહીં થાય તો આ સમસ્યાનો સામનો કરવા માટે એક યુદ્ધના મેદાનમાં ઊતરવા જેવું હશે. CAPAએ કહ્યું કે અમેરિકા, ચીન અને મધ્ય-પૂર્વની કેટલીક એરલાઇન્સે સરકાર પાસે મદદ માગી છે. અથવા તેમના માલિકોની મદદથી સર્વાઇવ થઈ રહી છે.
કોરોના વાઇરસના પ્રકોપને લીધે વેપાર-ધંધામાં એવિયેશન ક્ષેત્રને મોટું નુકસાન થઈ રહ્યું છે. આ રોગચાળાને લીધે એર ટ્રાફિકમાં ભારે ઘટાડો થયો છે. અમેરિકન એરલાઇન્સ ગ્રુપથી માંડીને ઓસ્ટ્રેલિયાના Quntas એરવેઝ લિમિટેડ સુધી વાહક ક્ષમતામાં ઘટાડો આવ્યો છે, જ્યારે સ્વીડનની SAS AB જેવી એરલાઇન્સે મોટા ભાગના હંગામી કર્મચારીઓને દૂર કર્યા છે. બીજી બાજુ યુરોપની સૌથી મોટી એરલાઇન્સ Flybe પહેલેથી જ ધ્વસ્ત થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય એર ટ્રાન્સપોર્ટ એસોસિયેશન અનુસાર એરલાઇન્સને આ વર્ષે આશરે 113 બિલિયન ડોલરની આવકનું નુકસાન થવાની શક્યતા છે.