નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસમાં નિરંતર ઘટાડો થઈ રહ્યો છે. નવા કેસોની સાથે મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 1.03 કરોડને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 18,088 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 264 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,03,74,932 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,50,114 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 99,97,272 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 21,314 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,27,546એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 96.12 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.44 ટકા થયો છે.
વેક્સિનમાં ડુક્કરનું માંસ નથી
ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ના પૂર્વ ચીફ ડો. આર. ગંગાખેડકરે સ્પષ્ટ કર્યું છે કે ભારતમાં કોરોનાની જે બે વેક્સિનને પરવાનગી આપવામાં આવી છે, તેમાં ડુક્કરનું માંસનો કોઈ અંશ નથી. એક વાતચીતમાં તેમણે કહ્યું હતું કે આ અફવાઓ પર વિશ્વાસ કરવાની જરૂર નથી અને આવી અફવાઓ પાયાવિહોણી અને બકવાસ છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.