નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 74 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 62,212 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 837 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 74,32,680 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,12,998 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 65,24,595 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 7,95,087એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 87.56 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.52 ટકા થયો છે.
FELUDA ગેમ ચેન્જર સાબિત થશે?
કોરોના વાઇરસ સામેના જંગમાં ભારતની પેપર આધારિત ટેસ્ટ સ્ટ્રિપ FELUDA ગેમ ચેન્જર સાબિત થાય એવી શક્યતા છે. આ ટેસ્ટ સ્ટ્રિપ બજારમાં આવવા માટે તૈયાર છે.
ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ ગયા મહિને ICMRએ ગુણવત્તાના બેન્ચમાર્ક પૂરા કર્યા બાદ FELUDAને મંજૂરી આપી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્યપ્રધાન ડો. હર્ષવર્ધને એ થોડાંક સમય પહેલાં જ કહ્યું હતું કે FELUDA ટૂંક સમયમાં બજારમાં ઉપલબ્ધ થશે.
યુવાનોની ટીમે તૈયાર કરી
FELUDAને વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદના યુવાન વૈજ્ઞાનિકોની ટીમે તૈયાર કરી છે. FELUDAથી ગણતરીની મિનિટોમાં ટેસ્ટનું પરિણામ પ્રાપ્ત થઇ શકે છે. જ્યારે હાલની RT-PCR કિટ આના માટે ચારથી પાંચ કલાકનો સમય લે છે. CSIRના ડિરેક્ટર જનરલ શેખર સી મંડેએ કહ્યું હતું કે FELUDA ટેસ્ટમાં સમયનો બચાવ કરશે. તેનાથી માત્ર 30 મિનિટમાં પરિણામ મળે છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.