નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં રેકોર્ડ વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 62 લાખને પાર થયા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 80,472 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1179 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 62,25,764 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 97,497 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 51,87,825 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 9,40,441 પહોંચી છે. પાછલા 24 કલાકમાં 74,893 દર્દીઓ ઠીક થયા છે. રિકવરી રેટ વધીને 83.01 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.56 ટકા થયો છે.
15 વ્યક્તિઓમાંથી એક વ્યક્તિને કોરોના
ICMRના બીજા સિરો સર્વે પ્રમાણે ઓગસ્ટ, 2020 સુધી દસ વર્ષ અને તેનાથી ઉપરના 15 વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ સાર્સ-સીઓવી2ની ચપેટમાં આવવાનો અંદાજ છે. આ સર્વે વધારે વસતિમાં હજુ પણ કોરોના વાયરસ સંક્રમણથી પ્રભાવિત થવાની આશંકા દર્શાવે છે. ICMRના બીજા સિરો સર્વેનું પરિણામ મંગળવારે જાહેર કરવામાં આવ્યું હતું.
ICMRના ડિરેક્ટર બલરામ ભાર્ગવે કહ્યું હતું કે 17 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર સુધી 29,082 લોકો (10 વર્ષ અને તેનાથી વધારે ઉંમર) પર સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 6.6 ટકામાં સાર્સ-સીઓવી2ની ચપેટમાં આવી ચૂક્યા હોવાના લક્ષણો જોવા મળ્યા હતા. 7.1 ટકા વયસ્ક વસતિ (18 વર્ષ અને તેનાથી વધારે) પણ તેની ચપેટમાં આવ્યા હોવાનાં લક્ષણો જોવા મળ્યાં હતાં.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.