વિરોધ પક્ષો કિસાનોને મુશ્કેલીઓમાંથી આઝાદ કરાવવા ઇચ્છતા નથી: PM મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા કોંગ્રેસના ઉગ્ર પ્રહાર કરતાં કહ્યું હતું કે તેઓ PoKમાં ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માગે છે, યોગ દિવસનો વિરોધ કરે છે અને ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમાનો પણ વિરોધ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ખેડૂતોને તેમના અધિકાર આપી રહી છે તો પણ આ લોકો (વિપક્ષ) વિરોધ પર ઊતરી આવ્યા છે. વિપક્ષે રામ મંદિરના ભૂમિપૂજનનો પણ વિરોધ કર્યો હતો. વિપક્ષ ન તો ખેડૂતોની સાથે છે, કે ન તો જવાનોની સાથે છે, એમ તેમણે કહ્યું હતું.

સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા

ચાર વર્ષ પહેલાં આ સમયની આસપાસ દેશના વીર સૈનિકોએ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી અને આતંકવાદીનાં સ્થાનોને નષ્ટ કર્યાં હતાં, પણ વિપક્ષ સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માગી રહ્યા હતા. સર્જિકલ સ્ટ્રાઇકનો વિરોધ કરીને તેમણે દેશની સામે પોતાના ઇરાદા સ્પષ્ટ કર્યા હતા, એમ વડા પ્રધાને કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે આ લોકોએ (વિપક્ષે) આપણા સુરક્ષા દળોને સશક્ત બનાવવા માટે કંઈ કર્યું નથી. હવાઈ દળ રફાલ માટે કહેતી રહી, પરંતુ તેમણે ક્યારેય તેમની વાત સાંભળી નહીં અને જ્યારે અમારી સરકારે ફ્રાન્સ સરકાર સાથે કરાર કર્યા ત્યારે તેમને એનાથી સમસ્યા થવા લાગી.

તેમણે આ ટિપ્પણી  નમામિ ગંગે મિશન હેઠળ 521 કરોડ રૂપિયાની છ મેગા પ્રોજેક્ટોના ઉદઘાટન કર્યા બાદ કરી હતી. વડા પ્રધાને હરિદ્વાર, ઋષિકેશ અને અન્ય પ્રદેશો માટે કેટલાય સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને એના અપગ્રેડેશનનું ઉદઘાટન કર્યું હતું.

હવે ખેડૂત ઊપજ વેચવા માટે સ્વતંત્ર

તેમણે કહ્યું હતું કે હવે દેશમાં ખેડૂત ઊપજ કોઈને પણ અને ક્યાંય પણ પોતાની રીતે વેચવા માટે સ્વતંત્ર છે, પણ વિપક્ષ નથી ઇચ્છતો કે આવું થાય. તેઓ નથી ઇચ્છતા કે ખેડૂતો પોતાની ઊપજ ખુલ્લા બજારોમાં વેચી શકે, મુશ્કેલીઓમાંથી આઝાદ થાય. તેઓ ઇચ્છે છે કે તેમનાં વાહનોને જપ્ત કરી લેવામાં આવે- જેમ કે પહેલાં થતું હતું. ખેડૂતનું ટ્રેક્ટર સળગાવવાથી તેઓ આજે ખેડૂતોનું અપમાન કરી રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]