ભારતવિરોધી ઇલ્હાન ઉમર સાથે રાહુલ ગાંધીની મુલાકાત પર વિવાદ

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. તેમણે ત્યાં અમેરિકી સાંસદોના એક પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી. એ મુલાકાતના કેટલાક ફોટા સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહ્યા છે, જેના પર વિવાદ થયો છે.

રાહુલ ગાંધીની સાથે આ ફોટાઓમાં ભારતવિરોધી ઇલ્હાન ઉમર પણ છે. હવે ભાજપે એ માટે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. ભાજપનાં રાષ્ટ્રીય પ્રવકતા સંજુ વર્માનું કહેવું છે કે રાહુલ ગાંધી સત્તામાં આવવા માટે ઉતાવળા છે. એને લીધે જ તેમણે કટ્ટરપંથી ઇસ્લામિક ઇલ્હાન ઉમર સાથે મુલાકાત કરી  છે. ભાજપના એક અન્ય નેતા નિશિકાંત દુબેએ કહ્યું હતું કે લાલ ઘેરામાં એ અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીના નેતા ઇલ્હાન ઉમર છે, જે ખાલિસ્તાન અને કાશ્મીરને અલગ દેશ બનાવવા માટે સતત ટેકો આપી રહ્યાં છે.

ભાજપના પ્રવક્તા અમિત માલવીયએ ક્હ્યું હતું કે રાહુલ ગાંધીએ જેમની સાથે મુલાકાત કરી એ ઇલ્હાન ભારતવિરોધી કટ્ટરપંથી ઇસ્લામિક  અને આઝાદ કાશ્મીરની તરફેણ કરનારા છે. એ મુલાકાતને લઈને પાકિસ્તાનના નેતાઓનાં પણ ભવાં તંગ થયાં હતાં. કોંગ્રેસ હવે ખૂલીને ભારત વિરોધનું કામ કરી રહી છે. એ મુલાકાત વોશિંગ્ટન ડીસીમાં રેબર્ન હાઉસ ઓફિસ બિલ્ડિંગમાં થઈ હતી.

આ બેઠકની યજમાની કોંગ્રેસમેન જેમ્સ શર્મને કરી હતી. એ પ્રતિનિધિમંડળમાં ઇલ્હાન ઉમર સિવાય સેનેટર જોનાથન જેક્સન, સેનેટર રોખન્ના, સેનેટર રાજા કૃષ્ણમૂર્તિ, સેનેટર બારબરા લી, સેનેટર થાનેદાર જીસસ જી, ગાર્સિયા, સેનેટર હેંક જોન્સન અને જૈન સ્કાકોવસ્કી સામેલ છે.