અયોધ્યાઃ અત્રે ભવ્ય રામમંદિરના બાંધકામનો ખર્ચ આશરે રૂ. 1,800 કરોડનો અંદાજવામાં આવ્યો છે, પણ એ વધી જવાની સંભાવના છે. મંદિરની સંચાલક સંસ્થા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયનું કહેવું છે કે રવિવારે સાંજે ટ્રસ્ટના સભ્યોની બેઠક મળી હતી. એમાં ખર્ચ વધી જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. બેઠકનું પ્રમુખપદ રામમંદિર બાંધકામ સમિતિના ચેરમેન નૃપેન્દ્ર મિશ્રાએ સંભાળ્યું હતું. બેઠકમાં 14-15 સભ્યોએ હાજરી આપી હતી.
ટ્રસ્ટે ભગવાન શ્રીરામની મૂર્તિના નિર્માણ માટે સફેદ આરસપહાણ (માર્બલ)નો ઉપયોગ કરવાનું પણ નક્કી કર્યું છે. મંદિરમાં રામાયણ યુગના અન્ય દેવી-દેવતાઓની પણ મૂર્તિ રાખવામાં આવશે. મંદિરનું બાંધકામ 2023ના ડિસેમ્બરમાં પૂરું થવાની ધારણા છે. ત્યારબાદ 2024ના જાન્યુઆરીમાં મકર સંક્રાંતિના ઉત્સવના દિવસે ભગવાન રામની મૂર્તિનું ગર્ભગૃહમાં સ્થાપન કરવામાં આવશે.