મુંબઈઃ સગીર પત્ની સાથે જો સહમતીથી પણ સેક્સ કરવામાં આવ્યું હશે તો એને પણ બળાત્કાર માનવામાં આવશે, એમ બોમ્બે હાઈકોર્ટે એક મહત્વના ચુકાદામાં જણાવ્યું હતું. સહમતીને આધારે તેને યોગ્ય ઠેરવવાની દલીલ કાયદેસર રીતે સ્વીકારી શકાય નહીં. હાઈકોર્ટની નાગપુર બેંચે પોતાના પતિ વિરુદ્ધ બળાત્કારની મહિલાએ ફરિયાદ કરી હતી. એની સુનાવણી કરતી વખતે કોર્ટે પતિને 10 વર્ષની સજાને યોગ્ય ઠેરવતાં આ ટિપ્પણી કરી હતી.
જસ્ટિસ GA સનપની સિંગલ બેન્ચે કહ્યું હતું કે સહમતીથી સેક્સ માટે કાયદાકીય ઉંમર 18 વર્ષ છે. ન્યાયાધીશે કહ્યું હતું કે અહીં કહેવાની જરૂર છે કે 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરી સાથે શારીરિક સંબંધ બાંધવો એ બળાત્કાર દુષ્કર્મ છે. તે પરિણીત છે કે નહીં તેનાથી કોઈ ફરક પડતો નથી. કોર્ટે કહ્યું, ’18 વર્ષથી ઓછી ઉંમરની પત્ની સાથે શારીરિક સંબંધ દુષ્કર્મ છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયને ધ્યાનમાં રાખીને હાલના કેસમાં પત્ની સાથે સહમતીથી શારીરિક સંબંધોનો બચાવ સ્વીકારી શકાય નહીં.
નીચલી અદાલતનો નિર્ણય યથાવત
પત્નીએ દુષ્કર્મની ફરિયાદ કરતાં નીચલી અદાલતે પતિને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી, હવે નીચલી અદાલતના આ નિર્ણયને હાઈકોર્ટની બેન્ચે યથાવત રાખ્યો છે. અહેવાલો અનુસાર આરોપી વ્યક્તિએ ફરિયાદી મહિલા સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા. જ્યારે મહિલા ગર્ભવતી થઈ, તો તેણે પાછળથી લગ્ન કરી લીધાં. લગ્ન પછી પણ તેમના સંબંધો સામાન્ય ન રહ્યા. આ સંબંધ દિવસે-દિવસે બગડતો ગયા. જેનાથી કંટાળીને મહિલાએ તેના પતિ વિરુદ્ધ ફરિયાદ કરી હતી.