નવી દિલ્હીઃ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’થી ચર્ચામાં આવેલા કાશ્મીરી પંડિતો માટે કોંગ્રેસ સહાનુભૂતિ દાખવવા માટે આવનારા દિવસોમાં પક્ષ તેમના પુનર્વાસ માટે વિધેયક લાવવાની સરકાર સમક્ષ રજૂઆત કરશે, જેમાં પંડિતોથી છીનવાયેલી સંપત્તિઓને પુનઃ મેળવવા અને તેમને કાશ્મીર ખીણમાં પરત ફરવા અને સલામતી બક્ષવાની રજૂઆત કરવામાં આવશે. કોંગ્રેસના સંસદસભ્ય વિવેક તનખા રાજ્યસભામાં કાશ્મીરી પંડિતોના પુનર્સ્થાપન, પુનર્વાસ માટે કાશ્મીરી પંડિત એક્ટ લાવવાની માગ કરશે, જે ભાજપ માટે લિટમસ ટેસ્ટ તરીકે પુરવાર થશે. આ ઉપરાંત કોંગ્રેસ કાશ્મીરી પંડિતોના અત્યાચાર અને અવહેલના પર નિષ્ણાત સમિતિ દ્વારા શ્વેત પેપર જારી કરવાની માગ કરશે. આ ઉપરાંત કોંગ્રેસ કાશ્મીરી પંડિતો પર અત્યાર સુધી થયેલા નરસંહાર અને સામૂહિક પલાયનની તપાસ કરવા માટે એક તપાસ પંચની રચના કરવાની માગ કરશે.
આ સાથે કોંગ્રેસ ભારતના નિવૃત્ત મુખ્ય જસ્ટિસની અધ્યક્ષતામાં એક સમિતિ દ્વારા શ્વેત પત્ર બહાર પાડવાની અરજ કરશે, જેમાં કેન્દ્રમાં ભાજપનાં આઠ વર્ષના શાસનકાળ અનૈ રાજ્યમાં પાછલી સરકારોની કામગીરીના પણ લેખાજોખાની માગ કરશે. આ તપાસ પંચ 1989થી કાશ્મીરી પંડિતો પરના અત્યાચારોની તપાસ કરવા માટે વિનંતી કરવામાં આવશે.
વળી, એ સમયગાળામાં ભાજપના ટેકાવાળી વીપી સિંહ સરકાર હેઠળ પલાયન થયું હતું અને એ વખતે જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ ભાજપના વફાદાર જગમોહન હતા. કાશ્મીરી પંડિતો મુદ્દે ભાજપના હુમલા અને તેમના પ્રત્યેની સહાનુભૂતિની પ્રતિક્રિયા કોંગ્રેસે આપી હતી. તનખાનું બિલ કાશ્મીરી પંડિતોને પુનર્સ્થાપિત કરવાના પ્રયાસ કરે છે. કોંગ્રેસ રાષ્ટ્રીય અલ્પસંખ્યક પંચ હેઠળ તેમને અલ્પસંખ્યક જાહેર કરવાની પણ માગ કરશે.