ગ્વાલિયર- કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મધ્યપ્રદેશમાં તેના ચૂંટણી પ્રચારની શરુઆત ચંબલ ગ્વાલિયરથી કરશે. આ પહેલા તેઓ દતિયામાં મા પીતામ્બરા દેવીના મંદિરે દર્શન કરશે. મહત્વનું છે કે, મા પીતામ્બરા દેવીના મંદિર સાથે ગાંધી પરિવારનો સંબંધ ઘણો જૂનો છે.રાહુલ ગાંધી પહેલા તેમના દાદી ઈન્દિરા ગાંધી અને પિતા રાજીવ ગાંધી પણ અહીં આવ્યા હતા અને દર્શન કર્યા હતા. આ સિવાય જવાહરલાલ નેહરુ માટે પણ અહીં પૂજા-અર્ચના કરવામાં આવી હતી.
રાહુલ ગાંધી માટે પહેલાં દેવાસની મા ચામુંડા દેવીના દર્શનનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ રાહુલ ગાંધીએ પીતામ્બરા દેવીના દર્શનની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ કાર્યક્રમ બદલીને પીતામ્બરા દેવીના દર્શનનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો.
ત્રણ મહિના પહેલા મા પીતામ્બરા દેવી પીઠના દીક્ષિત સાધક પંડિત રાધાવલ્લભ સુરવરિયા દિલ્હી ગયા હતા. આ દરમિયાન તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી. રાહુલ ગાંધી સાથેની મુલાકાત દરમિયાન તેમણે મા પીતામ્બરા દેવીના દર્શને આવવા નિમંત્રણ આપ્યું હતું.
પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી ત્રણ વખત મા પીતામ્બરા દેવીના દર્શને ગયા હતા. પ્રથમ વખત કટોકટી પછી વર્ષ 1979માં, બીજી વખત વર્ષ 1980માં ચૂંટણી પહેલાં અને ત્યારબાદ ચૂંટણી જીતીને વડાપ્રધાન બન્યા પછી તેઓ મા પીતામ્બરાના દર્શને ગયા હતા.