પુંચઃ જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને સિનિયર કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે સૌથી જૂની પાર્ટી 2024ની લોકસભાની ચૂંટણીમાં 300 બેઠકો જીતે એવી શક્યતા નથી. પુંચ જિલ્લાના કૃષ્ણાઘાટીમાં એક સભાને સંબોધતાં કહ્યું હતું કે રાજ્યમાં આર્ટિકલ 370નો સુપ્રીમ કોર્ટમાં મામલો ચાલી રહ્યો અને કેન્દ્ર જ ફરી એને લાગુ કરી શકે.
રાજ્યમાં જો આર્ટિકલ 370 ફરી લાગુ કરવું હોય તો 2024ની લોકસભાની ચૂંટણીમાં 300 કે એથી વધુ બેઠકો જીતવી પડશે, જે હાલ અશક્ય લાગી રહ્યું છે. હું પ્રાર્થના કરું છું કે કોંગ્રેસ 300 કરતાં વધુ બેઠકો જીતે.
આર્ટિકલ 370 વિશેનો નિર્ણય સુપ્રીમ કોર્ટ લઈ શકે અથવા સત્તાધારી સરકાર એ વિશેનો નિર્ણય લઈ શકે છે.
આ અગાઉ આઝાદે રાજકીય પાર્ટીઓને રાજ્યમાં ચૂંટણી યોજી શકાય એ માટે વાતાવરણ સર્જવા અરજ કરી હતી. હું પક્ષના રાજકારણમાં હાલ પડવા નથી માગતો અને હું પક્ષની વિરુદ્ધ પણ બોલતો નથી, પણ હાલ રાજ્યમાં ચૂંટણીલક્ષી વાતાવરણ નથી કેમ કે એક પક્ષ બીજા પક્ષની સામે બોલી રહ્યો છે.
હું એકલો છેલ્લાં ત્રણ વર્ષથી સંસદમાં આ વિશે બોલી રહ્યો છું. સરકાર સાથે અમારી લડાઈ છે કે જ્યાં આર્ટિકલ 370ને રદ કરવામાં આવી અને રાજ્યનું વિભાજન કરવામાં આવ્યું. હું માનું છું કે કેન્દ્ર સરકારે બંધારણમાં ફેરફાર કરવાનો અધિકાર છે, પણ એ જમ્મુ-કાશ્મીરની વિધાનસભાના માધ્યમથી થવો જોઈએ ન કે સંસદના માધ્યમથી, એમ તેમણે કહ્યું હતું.