કોંગ્રેસે હિમંતાની વિરુદ્ધ દાખલ કર્યો રૂ. 10 કરોડનો માનહાનિનો કેસ

ગૌહાટીઃ આસામના કોંગ્રેસ એકમના અધ્યક્ષ ભૂપેન કુમાર બોરાએ સ્થાનિક કોર્ટમાં રાજ્યના મુખ્ય મંત્રી હિમંતા બિશ્વ શર્માની વિરુદ્ધ રૂ. 10 કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. કોંગ્રેસ નેતાએ ફરિયાદમાં કહ્યું હતું કે હિમંતા બિશ્વ શર્માનાં કેટલાંય નિવેદનોએ તેમની જાહેર છબિ અને પાર્ટીને નુકસાન પહોંચાડ્યું છે.

બોરાએ સિવિલ જજ (સિનિયર ડિવિઝન) સહ સહાયક સત્ર જજ નંબર એક, કામરૂપ મેટ્રોની કોર્ટમાં કેસ કર્યો છે. શર્મા સિવાય રાજ્યના એક અગ્રણી સ્થાનિક દૈનિક અને એના સંપાદકને મામલામાં પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે. બોરાએ આરોપ લગાવ્યો છે કે કેટલાય પ્રસંગોએ શર્માએ એવાં નિવેદનો આપ્યાં છે કે કોંગ્રેસના રાજ્ય એકમના પ્રમુખ જલદી પાર્ટી છોડી દેશે, જેનાથી તેમની જાહેર છબિને નુકસાન પહોંચ્યું છે અને પાર્ટીને પણ નુકસાન થયું છે.

મુખ્ય મંત્રીએ સતત દાવો કર્યો છે કે બોરા આગામી વર્ષના પ્રારંભે ભાજપમાં સામેલ થશે.જોકે વિપક્ષી નેતાએ એનો ઇનકાર કર્યો છે. બોરાએ કહ્યું હતું કે CMના નિવેદનથી પાર્ટીને ઘણું નુકસાન થયું છે.

આસામના મુખ્ય મંત્રી હિમંતા બિશ્વ શર્માએ હાલમાં દાવો કર્યો હતો કે આસામ કોંગ્રેસના વડા ભૂપેનકુમાર આગામી વર્ષે ભાજપમાં સામેલ થશે. મંગળવારે ભૂપેનકુમારે CMના દાવાને ફગાવ્યો હતો. શર્મા વાસ્તવિક મુદ્દાઓ પર વાત નથી કરવા ઇચ્છતા, પણ તેઓ માત્ર મુદ્દાને ગુમરાહ કરવાનું કામ કરે છે. તેઓ મુદ્દાને ગેરવલ્લે કરવાની માઇન્ડ ગેમ રમી રહ્યા છે.

કોંગ્રેસ અધ્યક્ષે પત્રકારોને કહ્યું હતું કે હું સવાલ કરવા માગું છું કે મને ભાજપમાં કેમ સામેલ કરવો છે? જો હું ભાજપમાં સામેલ થઈ જઈશ તો શું તેઓ અનુસૂચિત જનજાતિનો દરજ્જો માગી રહેલા છ સમાજને એ મળી જશે? શું નવી નોકરીઓ મળશે?