પશ્ચિમ બંગાળમાં 16થી 31 મે સુધી સંપૂર્ણ લોકડાઉન

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં કોરોનાના વધતા કેસોને જોતાં મમતા બેનરજીની સરકારે 16 મેથી 31 મે સુધી રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનનું એલાન કર્યું છે. આ દરમ્યાન રાજ્યમાં આવાગમન પ્રતિબંધિત રહેશે, માત્ર જરૂરી સેવાઓની મંજૂરી રહેશે. બધી ઓફિસો અને શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ રહેશે. કરિયાણા જેવી જરૂરી ચીજવસ્તુઓની દુકાનો સવારે સાત કલાકથી રાત્રે 10 કલાક સુધી ખુલ્લી રહેશે, જ્યારે મીઠાઈની દુકાનો સવારે 10 કલાકથી સાંજે પાંચ કલાક સુધી ખુલ્લી રહેશે. જોકે રવિવારે આ દુકાનો સંપૂર્ણ રીતે બંધ રહેશે. લોકડાઉન દરમ્યાન પશ્ચિમ બંગાળમાં પેટ્રોલ પમ્પ ખુલ્લા રહેશે. બેન્કો સવારે 10 કલાકથી બપોરે બે કલાક સુધી ખુલ્લી રહેશે. લોકડાઉન દરમ્યાન રાજ્યમાં બધી ઇન્ડસ્ટ્રીઝ બંધ રહેશે. ચાના બગીચાઓમાં કામ કરતા કર્મચારીઓને 50 ટકા ક્ષમતાએ કામ કરવાની મંજૂરી છે.

રાજ્યમાં આવા કોઈ પણ કાર્યક્રમમાં મનાઈ રહેશે, જેમાં ભીડ લાગવાની સંભાવના હોય. દિશા-નિર્દેશો અનુસાર કોઈ પણ ધાર્મિક કે સંસ્કૃતિક કાર્યક્રમ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવશે. આ સિવાય કોઈ પણ સભા યોજવા પર પ્રતિબંધ રહેશે.

પશ્તિમ બંગાળમાં છેલ્લા 24 કલાકમાં 20,846 નવા કેસો નોંધાયા છે. જે પછી રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 10.94 લાખથી વધુ થઈ છે. જ્યાં સંક્રમણ આશરે 80 ટકા કેસો સામેલ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 3.26 લાખ કેસો નવા નોંધાયા છે અને દેશમાં 3890 લોકોના મોત થયાં છે.