વળતર, નવા ઘરની ગેરન્ટી મળેઃ જોશીમઠમાં ઘર તોડવાનો વિરોધ

જોશીમઠઃ જોશીમઠમાં ભૂ સ્ખલનને લીધે અત્યાર સુધી 723 મકાનોમાં તિરાડ પડી ચૂકી છે. આ ઘરોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે, પણ તમામ લોકો ઘરોને છોડવા તૈયાર નથી. હજી વર્તમાન અને ભવિષ્યને લઈને અનિશ્ચિતતાનો માહોલ છે. આ લોકોનું કહેવું છે કે વહીવટી તંત્ર દ્વારા પુનર્વાસ અને વળતરનું આશ્વાસન મળે. ત્યાર બાદ તેઓ ઘર છોડશે.

 પ્રતિબંધ છતાં જોશીમઠમાં કાપવામાં આવી રહ્યા છે પહાડ

ઉત્તરાખંડના જોસીમઠમાં મુખ્ય પ્રધાનના આદેશ પછી બધાં નિર્માણકાર્ય, હાઇવે પર ચાલી રહેલાં કામ અને NTPCમાં નિર્માણ કામગીરી પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, પણ પ્રતિબંધ છતાં જોશીમઠમાં રાતના અંધારામાં ભારે મશીનોથી પહાડ કાપવામાં આવી રહ્યા છે. આ મશીનોનો અવાજ કેટલાય કિલોમીટર સુધી સાંભળી શકાય છે. જોશીમઠમાં થઈ રહેલા ભૂ સ્ખલનની વચ્ચે પહાડ કાપવાની કામગીરી ઘણી ઘાતક સાબિત થઈ શકે છે.

જોશીમઠમાં તિરાડો પડવાને કારણે સરકારે આ વિસ્તારને ભૂસ્ખલન ક્ષેત્ર ઘોષિત કર્યું છે. નિર્માણ કાર્ય અટકાવવાની સાથે જમીન ધસવાથી અસરગ્રસ્ત ઘરોની સંખ્યા 723 થઈ ગઈ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની ચમોલી શાખાઓ આ માહિતી આપી હતી. પ્રભાવિત વિસ્તારોમાં 86 ઘરોને અસુરક્ષિત ચિહ્નિત કરવામાં આવ્યાં છે. જિલ્લા વહીવટી તંત્રએ આવાં ઘરોની બહાર લાલ નિશાન લગાવી દીધાં છે.

જોશીમઠના લોકો હવે પુનર્વાસ અને વળતરને ગુસ્સામાં છે. જોકે પ્રભાવિત મકાનોના માલિકોને રાજ્ય સરકારે રૂ. 4000 પ્રતિ મહિના આપવાની જાહેરાત કરવામાં આવી છે.