તિરુવનંતપુરમઃ પતિ જો એની પત્નીની સરખામણી બીજી સ્ત્રીઓ સાથે કર્યા કરે અને જીવનસાથી પોતાની અપેક્ષા પ્રમાણેની નથી એવા એને સતત ટોણાં મારતા રહેવું એ પતિએ પત્ની પર કરેલી માનસિક ક્રૂરતા ગણાય અને કોઈ મહિલા પોતાની સાથે આ પ્રકારના આચરણની અપેક્ષા રાખે નહીં કે એને ચલાવી ન લે, એમ કેરળ હાઈકોર્ટે કહ્યું છે.
ન્યાયમૂર્તિઓ અનિલ કે. નરેન્દ્રન અને સી.એસ. સુધાની બનેલી બેન્ચે એક પતિએ ફેમિલી કોર્ટના ચુકાદાને પડકારતી અપીલને આજે ફગાવી દઈ, ચુકાદો આપીને 13 વર્ષ જૂના છૂટાછેડાના કેસનો અંત લાવી દીધો છે. હાઈકોર્ટના ન્યાયાધીશોએ કહ્યું કે આ કેસમાં લગ્ન રદ થાય છે, કારણ કે પતિએ માનસિક ક્રૂરતા આચરી છે. કોર્ટે છૂટાછેડા કાયદા, 1969 અંતર્ગત છૂટાછેડા મંજૂર કર્યા હતા. પત્નીએ એવી દલીલ કરી હતી કે એનો પતિ ઈમેલ કરીને એવી અપેક્ષા વ્યક્ત કરતો રહેતો હતો કે એને કેવા પ્રકારની પત્ની ગમે છે અને એવી બનવા માટે તે પત્નીને સૂચનાઓ આપ્યા કરતો હતો. કોર્ટે પતિના આ વ્યવહાર અને આચરણને કાયદાની વિરુદ્ધનો ગણાવ્યો છે.