હિમાચલમાં મેઘ ‘કહેર’: 71નાં મોત, રૂ. 10,000 કરોડનું નુકસાન

શિમલાઃ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે છેલ્લા ત્રણ દિવસોમાં કમસે કમ 71 લોકોનાં મોત થયાં છે. કેટલાક લોકો હજી પણ લાપતા છે. આ સાથે છેલ્લા બે મહિનામાં 327 લોકોનાં મોત થયાં હતાં. મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુએ પાયાના માળખાના પુનર્નિમાણના કામને મોટો પડકાર ગણાવ્યો હતો. શિમલામાં સમર હિલના સમીપ શિવ મંદિરના કાટમાળમાં એક વધુ મહિલાના મૃતદેહ મળ્યા પછી વરસાદથી જોડાયેલી ઘટનાઓમાં 57 લોકોના મૃતદેહ મેળવી શકાયા છે. ભૂસ્ખલન અને પૂરને કારણે મકાનોના કાટમાળમાંથી મૃતદેહો કાઢ્યા પછી મૃતકોની સંખ્યા વધી ગઈ છે. રાજ્યમાં આ વિનાશથી આશરે રૂ. 10,000 કરોડનું નુકસાન થયું છે.

રાજ્યમાં રવિવારથી થયેલા વરસાદને કારણે શિમલાના સમર હિલ, કૃષ્ણાનગર અને ફાગલી વિસ્તારોમાં ભૂસ્ખલન થયાં હતાં. રેવેન્યુ સચિવ ઓમકાર ચંદ શર્માએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસોમાં કમસે કમ 71 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે અને 13 હજી લાપતા છે.રાજ્યના મુખ્ય પ્રધાન સુખવિન્દર સિંહે દાવો કર્યો હતો કે ભારે વરસાદને કારણે પાયાના માળખાના પુર્નર્નિર્માણમાં એક વર્ષ લાગશે. રાજ્યમાં 13,14 અને 15 ઓગસ્ટે જુલાઈની તુલનામાં સૌથી વધુ આર્થિક નુકસાન થયું છે.

ભાખરા ડેમથી પાણી છોડાયું

ભાખરા ડેમમાંથી 35 વર્ષો પછી ફ્લેડ ગેટ ખોલવામાં આવ્યાં હતા, જેનું પાણી પંજાબમાં છોડવામાં આવી રહ્યું છે.આ ડેમના ગેટ આવતા શુક્રવાર સુધી ખુલ્લા રાખવામાં આવશે. એને કારણે હોંશિયારપુર, રોપડ, ગુરદાસપુર, કપૂરથલા, ફિરોજપુર, ફાજિલ્કા, અમૃતસર અને તરનતારનમાં ફરી પૂર જેવી સ્થિતિ બનેલી છે.