નાગરિકતા સંશોધન બિલ મુદ્દે શિવસેનાની પહેલા ‘ના’ પછી ‘હા’ કેમ થઇ?

નવી દિલ્હી: લોકસભામાં નાગરિકતા બિલ રજૂ થયા પહેલા શિવસેનાના મુખપત્ર ‘સામના’માં આ બિલની ટીકા કરતા સવાલો ઉઠાવ્યા હતા કે, શું હિન્દુ ગેરકાયદે શરણાર્થીઓની ‘પસંદગીયુક્ત સ્વીકૃતિ’ દેશમાં ધાર્મિક યુદ્ધ છેડવાનું કામ નહીં કરે? અને તેમણે કેન્દ્ર પર આ કાયદાને લઈને હિન્દુઓ તેમજ મુસ્લિમોનું અદ્રશ્ય વિભાજન કરવાનો આરોપ લગાવ્યો. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી પાર્ટીએ એમ પણ કહ્યું કે, કાયદાની આડમાં વોટ બેંકની રાજનીતિ કરવી દેશના હિતમાં નથી. પણ ત્યારબાદ શિવસેનાએ લોકસભામાં આ બિલનું સમર્થન કર્યું.  શિવસેના સાંસદ અરવિંદ સાવંતે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, અમે રાષ્ટ્રહિત માટે આ બિલનું સમર્થન કર્યું છે. સીએમપી (કોમન મિનિમમ પ્રોગ્રામ) માત્ર મહારાષ્ટ્રમાં લાગુ છે. સાવંત શિવસેનાના એકમાત્ર સાંસદ હતા, જે કેન્દ્રીય કેબિનેટમાં સામેલ હતા. પણ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવ્યા બાદ શિવસેનાએ કેન્દ્રમાં ભાજપને પોતાનુ સમર્થન પરત ખેંચી લીધું હતું.

શિવસેનાના મુખપત્ર ‘સામના’માં સોમવારે એક સંપાદકીય લેખમાં શિવસેનાએ બિલના સમય પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ભારતમાં હજુ મુશ્કેલીઓ ઓછી થઈ નથી તેમ છતાં પણ આપણે CAB જેવી નવી મુશ્કેલીને આમંત્રણ પાઠવી રહ્યા છીએ. સાથે જ શિવસેનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેટલાક પાડોશી દેશો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની અપીલ કરી.

શિવસેનાએ સવાલ કરતા કહ્યું કે, એ હકીકત છે કે, હિન્દુઓ માટે હિન્દુસ્તાન ઉપરાંત કોઈ અન્ય દેશ નથી પણ ગેરકાયદે શરણાર્થીઓમાંથી માત્ર હિન્દુઓનો સ્વીકાર કરીને શું દેશમાં એક ગૃહ યુદ્ધની સ્થિતિ ઉભી નહીં થાય?

શિવસેનાએ કહ્યું કે, જો કોઈ નાગરિકતા સંશોધન બિલની આડમાં વોટ બેંકની રાજનીતિ કરવાનો પ્રયત્ન કરશે તો એ દેશના હિતમાં નથી. સંપાદકીય લેખમાં કહેવામાં આવ્યું કે, પાકિસ્તાનની જેમ વડાપ્રધાન મોદીએ અન્ય પાડોશી દેશોને પણ કડકમાં કડક સબક શીખવવું જોઈએ જે હિન્દુ, શીખ, ઈસાઈ, પારસી અને જૈન સમુદાયો પર અત્યાચાર કરે છે. શિવસેનાએ કહ્યું કે, વડાપ્રધાને અગાઉ જ દેખાડ્યું છે કે, અમુક વસ્તુઓ શક્ય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]