અમને મુસલમાનોથી કોઈ નફરત નથીઃ અમિત શાહના ભાષણના મહત્વના મુદ્દાઓ

નવી દિલ્હી: છેવટે ભારે વાદવિવાદ વચ્ચે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ થઈ ગયું છે અને હવે આ બિલને રાજ્યસભામાં મોકલવામાં આવશે. આ પહેલા સોમવારે બિલ પર લોકસભામાં સાત કલાકથી વધુ સમય સુધી દલીલબાજી ચાલી. કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓએ બિલને સંવિધાનની વિરુદ્ધ ગણાવતા પુરજોશમાં વિરોધ કર્યો. સરકાર તરફથી પક્ષ રાખતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, બિલ સંવિધાન વિરુદ્ધ નથી અને આ બિલનો દેશના મુસ્લિમો સાથે કોઈ સંબંધ નથી. તેમણે કહ્યું કે, વિશેષ પરિસ્થિતિમાં અન્ય દેશોના ધાર્મિક અલ્પસંખ્યકોને ન્યાય આપવા બિલ લાવવામાં આવ્યું છે.

નાગરિકતા સંશોધન બિલ મુદ્દે અમિત શાહના ભાષણની મહત્વની વાતો

  • આ કાયદો લાખો કરોડો શરણાર્થીઓને ત્રાસદાયક જીવનમાંથી મુક્તિ અપાવવાનું સાધન બનવા જઈ રહ્યો છે. આ લોકો ભારત પ્રતિ શ્રદ્ધા રાખતા આપણા દેશમાં આવ્યા, તેમને હવે નાગરિકતા મળશે. હું સદનના માધ્યમથી સમગ્ર દેશને ખાતરી આપવા માગુ છું કે, આ કાયદો એક પણ રીતે ગેરબંધારણીય નથી અને ન તો સંવિધાનની કલમ 14નું ઉલ્લંઘન કરે છે.
  • જો આ દેશના ભાગલા ધર્મના આધાર પર ન થયા હોત તો મારે આ કાયોદ લાવવાની જરૂર જ ન પડી હોત. નેહરુ લિયાકત સમજૂતી કાલ્પનિક હતી અને નિષ્ફળ નિવળી એટલા માટે આ કાયદો લાવવો પડ્યો. દેશમાં એનઆરસી પણ લાગુ થઈને રહેશે અને જ્યારે એનઆરસી આવશે ત્યારે દેશમાં એક પણ ઘુસણખોર નહીં બચી શકે. કોઈ પણ રોહિંગ્યાનો કયારેય સ્વીકાર નહીં કરવામાં આવે.
  • નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી છે ત્યાં સુધી દેશમાં કોઈ પણ ધર્મના લોકોને ડરવાની જરૂર નથી. આ સરકાર તમામ નાગરિકોને સમ્માન અને સુરક્ષા આપવા માટે પ્રતિબદ્ધ છે. જ્યાં સુધી મોદી વડાપ્રધાન છે, સંવિધાન જ સરકારનો ધર્મ છે.
  • 1947માં પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોની વસ્તી 23 ટકા હતી. 2011માં 23 ટકાથી ઘટીને 3.7 ટકા રહી ગઈ. બાંગ્લાદેશમાં 1947માં અલ્પસંખ્યકોની વસ્તી 22 ટકા હતી જે 2011માં ઘટીને 7.8 ટકા થઈ ગઈ.
  • ભારતમાં 1951માં 84 ટકા હિન્દુ હતા જે 2011માં ઘટીને 79 ટકા રહી ગયા, તો દેશમાં 1951માં 9.8 ટકા મુસલમાનો હતા જે 2011માં વધીને 14.8 ટકા થઈ ગયા. એટલા માટે એ કહેવું ખોટું છે કે, ભારતમાં ધર્મના આધાર પર ભેદભાવ થઈ રહ્યો છે. શાહે કહ્યું કે, ધર્મના આધારે ન તો ભેદભાવ થઈ રહ્યો હતો અને ન તો આગળ થશે.
  • આ કાયદો કોઈ પણ ધર્મની વિરુદ્ધ ભેદભાવ વાળો નથી અને ત્રણ દેશોની અંદર ધર્મના આધારે ત્રાસ સહ્નન કરી રહેલા અલ્પસંખ્યકો માટે છે જે ઘુસણખોર નથી, શરણાર્થી છે. હું ફરી વખત કહેવા માગુ છું કે, દેશમાં કોઈ શરણાર્થીનીતિ ની જરૂર નથી. ભારતમાં શરણાર્થીઓના સંરક્ષણ માટે પૂરતો કાયદો છે.
  • મોહમ્મદ અલી જિન્નાએ દ્વવિરાષ્ટ્ર નીતિની વાત કરી પણ કોંગ્રેસે તેમને રોકયા નહીં. તેમણે ધર્મના આધાર પર દેશનું વિભાજન સ્વીકાર કર્યું હતું, એ ઐતિહાસિક સત્ય છે. વિપક્ષે આરોપ લગાવ્યો છે પણ અમારી અલ્પસંખ્યકોને લઈને અવધારણા સંકુચિત નથી. તે અહીંના અલ્પસંખ્યકોની વાત નથી કરી રહ્યા. આ એ ત્રણ દેશોના અલ્પસંખ્યકોની વાત છે.
  • આ દેશમાં આટલી મોટી વસ્તી મુસ્લિમોની છે. કોઈ ભેદભાવ નથી રાખવામાં આવી રહ્યો. પણ તસવીર એવી ઊભી કરવામાં આવી રહી છે કે, મુસ્લિમોને અન્યાય થઈ રહ્યો છે. હું ખાતરી આપુ છું કે, જ્યારે અમે એનઆરસી લઈને આવશું તો દેશમાં એક પણ ઘુસણખોર નહીં બચી શકે. આપણે એનઆરસીની પુષ્ઠભૂમિ બનાવવાની જરૂર નથી. અમારુ વલણ સ્પષ્ટ છે દેશમાં એનઆરસી લાગુ થઈ ને રહેશે. અમારુ ઘોષણાપત્ર જ પુષ્ઠભૂમિ છે. અમને મુસલમાનોથી કોઈ નફરત નથી અને કોઈ નફરત પૈદા કરવાનો પ્રયત્ન પણ ન કરે.