નાગરિકતા કાયદાનો વિરોધઃ ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરની અટકાયત

નવી દિલ્હીઃ નાગરિકતા કાયદા વિરુદ્ધ શુક્રવારે દિલ્હીની જામા મસ્જિદમાં થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન અટકાયતમાં લેવાયેલા 40 લોકોને દિલ્હી પોલીસે અડધી રાત પછી છોડી મૂક્યા છે. કહેવાય છે કે આ લોકોને શનિવારે વહેલી સવારે છોડી મૂકવામાં આવ્યાં. જામા મસ્જિદમાં થયેલા વિરોધ પ્રદર્શન બાદ પોલીસે કેટલાક લોકોને અટકાયતમાં લીધા હતાં. ત્યારબાદ આ લોકોને છોડવા માટે પોલીસ મુખ્યમથક બહાર લોકોએ ધરણા ધર્યા હતાં. ત્યારબાદ અટકાયતમાં લેવાયેલા લોકોને છોડવામાં આવ્યાં.

આ ઉપરાંત પ્રદર્શનમાં સામેલ થવા માટે પહોંચેલા ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખરને દિલ્હી પોલીસે અટકાયતમાં લીધા છે. રાતે લગભગ 3 વાગે ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરને પોલીસ પોતાની સાથે લઈ ગઈ. અત્રે જણાવવાનું કે શુક્રવાર સવારથી જ ચંદ્રશેખર જામા મસ્જિદ પોતાના સમર્થકો સાથે પહોંચ્યા હતાં. ત્યારબાદ જંતર મંતર માર્ચ માટે નીકળ્યા ત્યારે ભીડથી ગાયબ થયા હતાં.

પરંતુ સાંજે અચાનક ચંદ્રશેખર ભીડમાં વચ્ચે પહોંચી ગયા અને ભાષણ આપવા લાગ્યા હતાં. આ દરમિયાન અનકવાર જામા મસ્જિદના શાહી ઈમામે લોકોને લાઉડ સ્પીકરથી જવા માટે પણ વિનંતી કરી. મોડી રાતે પોલીસે પણ લાઉડ સ્પીકરથી પ્રદર્શન કરી રહેલા લોકોને ઘરે જવાનો આગ્રહ કર્યો હતો અને કહ્યું હતું કે આ ધાર્મિક સ્થળ છે અને અહીં પ્રદર્શન થઈ શકે નહીં.

ત્યારબાદ સવાર 3 વાગે પોલીસ ચંદ્રશેખરને લઈ ગઈ કારણ કે જે પ્રકારે વિસ્તારમાં શાંતિ વ્યવસ્થા ભંગ કરવામાં આવી અને પોલીસે ના પાડી છતાં પ્રદર્શન કરવામાં આવ્યું તેને લઈને પોલીસે ચંદ્રશેખરને અટકાયતમાં લેવામાં આવ્યાં.